બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર હવે આ દુનિયામાં નથી રહ્યા. અનેક સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં થયો હતો. 65 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી હતી. તેમણે 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આઈ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર, આએ દિન બહાર કે જેવી ફિલ્મથી તેમને રાતોરાત લોકચાહના મળી હતી. શોલે અને યમલા પગલા દિવાના તેમની સૌથી પોપ્યુલર ફિલ્મો રહી હતી. આજે પણ લોકો તે ફિલ્મ જોવાનું પસંદ કરે છે. હવે તેઓ ખૂબ જલ્દી અગસ્ત્ય નંદાની ફિલ્મ ઈક્કીસમાં જોવા મળશે, જે 25 ડિસેમ્બરે રીલીઝ થશે. આ ફિલ્મ હવે તેમની અંતિમ ફિલ્મ બની રહેશે. ફિલ્મનું ટ્રેલર પણ રીલીઝ થઈ ગયું છે
વડાપ્રધાને કહ્યું, ધરમજી લાખો લોકોના હ્રદયમાં વસતા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી Prime Minister paid tribute છે. તેમણે લખ્યું છે કે ધર્મેન્દ્રજીના નિધનથી ભારતીય સિનેમામાં એક યુગનો અંત આવ્યો છે. તેઓ માત્ર એક મહાન અભિનેતા જ નહોતા, પરંતુ એક એવું વ્યક્તિત્વ હતા, જે તેમણે ભજવેલી દરેક ભૂમિકામાં સરળતા, ઊંડાણ અને અજોડ આકર્ષણ લાવતા હતા. અલગ અલગ પાત્રોને દિલથી ભજવવાની તેમની ખાસિયતના કારણે જ તેઓ લાખો લોકોના હૃદયમાં વસતા હતા. તેમની નમ્રતા, સૌમ્ય સ્વભાવ અને માનવતાએ તેમને સ્ક્રીનની બહાર પણ એટલા જ પ્રિય બનાવ્યા હતા. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.
અજય દેવગણે કહ્યું, ધરમજીના સમાચારે દિલ તોડી દીધું
અજય દેવગણે અભિનેતા ધર્મેન્દ્રને આંસુભરી આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે ધરમજીના નિધનના સમાચારે દિલ તોડી દીધું છે. તેમની હૂંફ, ઉદારતા અને હાજરીએ કલાકારોની પેઢીઓને રસ્તો બતાવ્યો છે. ઈન્ડસ્ટ્રીએ એક દિગ્ગજ ગુમાવ્યો છે અને આપણે એ વ્યક્તિને ગુમાવ્યો છે જેણે સિનેમાની આત્માને આકાર આપ્યો હતો. ધરમજી, શાંતિથી વિશ્રામ કરજો. ઓમ શાંતિ.
ધર્મેન્દ્રના નિધનના સમાચાર સાંભળીને કાજોલ દુઃખી થઈ
કાજોલનું દિલ તૂટી ગઈ છે. સ્વર્ગસ્થ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપતાં તેણે લખ્યું છે કે એક સારા વ્યક્તિનો સાચો અર્થ દર્શાવનાર બીજો સ્ટાર ચાલ્યો ગયો છે અને દુનિયા થોડી ગરીબ બની ગઈ છે. એવું લાગે છે કે ફક્ત સારા લોકોને જ આપણી પાસેથી છીનવી લેવામાં આવી રહ્યા છે. ધરમજી હૃદયના શુદ્ધ હતા, બધાને હંમેશા પ્રેમ આપનારા હતા. ધરમજી તમારી ખોટ હંમેશા રહેશે. તમારા આત્માને શાંતિ મળે… હંમેશા ઘણો પ્રેમ.
મધુર ભંડારકરે કહ્યું, ભારતીય સિનેમામાં તેમનો વારસો હંમેશા યાદ રહેશે
મધુર ભંડારકરે અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું છે કે સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રજીના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. તેઓ ભારતીય સિનેમાના સાચા હી-મેન હતા. મને તેમને ઘણી વખત મળવાનું સૌભાગ્ય મળ્યું અને દરેક વખતે તેઓ ખૂબ જ જીવંત અને આનંદથી ભરેલા હતા. તેમનું અવિશ્વસનીય યોગદાન એક યુગનો અંત દર્શાવે છે. ભારતીય સિનેમામાં તેમનો વારસો હંમેશા યાદ રહેશે. ઓમ શાંતિ.
જુનિયર એનટીઆરે કહ્યું, તેમણે જાતે એક યુગ બનાવ્યો હતો
જુનિયર એનટીઆરે લખ્યું છે, ધર્મેન્દ્રજીના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે જે યુગ બનાવ્યો તે ક્યારેય બદલી શકાશે નહીં. તેમણે ભારતીય સિનેમામાં જે હૂંફ અને પોતાનાપણું ઉમેર્યું તે હંમેશા આપણી સાથે રહેશે. મારી સંવેદના અને પ્રાર્થના સમગ્ર પરિવાર સાથે છે.