આર્જેન્ટિના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીના ચાહકો દુનિયાભરમાં છે, ભારતમાં પણ મેસ્સીના કરોડો ચાહકો છે. ભારતમાં મેસ્સીના ચાહકો માટે ખુશીના સમાચાર છે, મેસ્સી 14 વર્ષ બાદ ભારતમાં ફૂટબોલ મેચ રમશે. કેરળના રમતગમત પ્રધાન વી અબ્દુરહીમાને બુધવારે જાહેરાત કરી હતી કે આર્જેન્ટિના ફૂટબોલ ટીમ આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય મેચ માટે રાજ્યની મુલાકાત લેશે.

અગાઉ લિયોનેલ મેસી 2011માં કોલકાતામાં ઈન્ટરનેશનલ મેચ રમવા આવ્યો હતો. અહીં તેની ટીમ આર્જેન્ટિનાએ વેનેઝુએલા સામે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આર્જેન્ટિનાની ટીમ આ મેચ 1-0થી જીતવામાં સફળ રહી હતી. જ્યારે મેસી આ મેચ માટે ભારત આવ્યો ત્યારે દેશના ખૂણે-ખૂણેથી ફૂટબોલ ચાહકો તેમના સ્ટાર ખેલાડીની એક ઝલક મેળવવા કોલકાતા પહોંચ્યા હતા. લાખોની સંખ્યામાં ચાહકોની ભીડને સંભાળવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હવે ફરી એકવાર આ જ દ્રશ્ય જોવા મળવાનું છે. હા, લિયોનેલ મેસી ફરી એકવાર ભારત આવી રહ્યો છે. કેરળ સરકારે આ માહિતી આપી છે.
લિયોનેલ મેસીની ટીમ આર્જેન્ટિના હાલમાં વર્લ્ડ ચેમ્પિયન છે. વર્ષ 2022માં કતારમાં આયોજિત ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2026માં યુએસ, કેનેડા અને મેક્સિકોની સહિયારી ભાગીદારીમાં યોજાનારા વર્લ્ડકપમાં પણ મેસ્સી રમતો જોવા મળે તેવી શક્યતા છે. મેસ્સીએ આઠ વખતના બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો છે. ફૂટબોલ ઇતિહાસના સૌથી મહાન ખેલાડીઓમાં મેસ્સીની ગણતરી કરવામાં આવે છે.
આ પણ વાંચો :-