Thursday, Oct 23, 2025

જર્મન કોન્સલ જનરલ અચિમ ફેબિંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કરી મુલાકાત

2 Min Read

ગુજરાત અને જર્મનીના અગ્રણી રાજ્યો વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટની સંભાવનાઓ ચકાસવા જર્મન ડેલિગેશનને ગુજરાત મુલાકાતે આવવા મુખ્યમંત્રીએ આમંત્રણ આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત જર્મનીના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિગે ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-૨૦૨૪માં જર્મની પાર્ટનર કન્ટ્રી રહ્યું હતું, તેનો ઉલ્લેખ કરી સમિટની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા.

ગિફ્ટ સિટીમાં જર્મનીના હાયર એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટ્સ શરૂ થઈ શકે તે દિશામાં પણ મુખ્યમંત્રીએ જર્મન કોન્સ્યુલ જનરલ સાથે ચર્ચા કરી હતી. તેમણે ગુજરાતમાં ટેકનિકલ અને વોકેશનલ એજ્યુકેશન તથા ટ્રેનીંગ ઈન્સ્ટિટ્યુટમાં વૈશ્વિક સ્તરની તાલીમની ગુણવત્તા માટે રાજ્ય સરકારના લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ અને જર્મનીની કંપની વચ્ચે થયેલા એમ.ઓ.યુ. વિશે પણ વાતચીત કરી હતી અને તેના પરિણામે સ્કિલ્ડ વર્ક ફોર્સનો લાભ મળતો થયો છે તેમ પણ ઉમેર્યું હતું.

જર્મન કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિગે ગુજરાત સાથે રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ તેમ જ ટુરિઝમ, સ્કીલ ડેવલપમેન્ટ જેવા સેક્ટર્સમાં સહયોગ માટેની ઉત્સુકતા દર્શાવી હતી. આ સંદર્ભમાં તેમણે એમ પણ કહ્યું કે, જી-૨૦ સમિટમાં AI, હેલ્થ અને ફાર્મા સેક્ટર અંગે પરિણામદાયી ચર્ચા-વિમર્શ થયા બાદ હવે તેઓ રિન્યુએબલ એનર્જી સહિતના ઊભરતા સેક્ટર્સમાં આગળ વધવા ઈચ્છુક છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સાથે જર્મનીના અગ્રણી રાજ્યોના સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટની સંભાવનાઓ ચકાસવા અને તે દિશામાં વિચાર પરામર્શ માટે જર્મનીના ડેલિગેશનને ગુજરાત મોકલવા આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ જર્મન કોન્સ્યુલ જનરલને કચ્છી હસ્તકલા કારીગરીની કૃતિ સ્મૃતિ રૂપે ભેટ આપી હતી.

આ પણ વાંચો :-

Share This Article