જુલાઈ મહિનામાં ઓપરેશન સિંદૂર હાથ ધરીને ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ત્યાર બાદ બંને દેશો વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાની સેનાની કમર તોડી નાખી હતી, જેમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે તેમનો કાર્યકાળ 30 મે, 2026 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જનરલ અનિલ ચૌહાણને 28 સપ્ટેમ્બર, 2022 ના રોજ CDS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સંરક્ષણ મંત્રાલયના નિવેદન મુજબ સરકારે તેમનો કાર્યકાળ 30 મે સુધી અથવા આગામી આદેશો સુધી લંબાવવાની મંજૂરી આપી છે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, “કેબિનેટની અપોઈન્ટમેન્ટ કમિટી (ACC) એ 24 સપ્ટેમ્બર 2025 ના રોજ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે જનરલ અનિલ ચૌહાણના સેવા લંબાવાની મંજૂરી આપી છે. તેઓ 30 મે 2026 સુધી અથવા આગામી આદેશો સુધી ભારત સરકારના લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કાર્ય કરશે.”
જનરલ બિપિન રાવત બાદ જનરલ અનિલ ચૌહાણ ભારતના બીજા સીડીએસ બન્યા.
અનિલ ચૌહાણ 1981માં ભારતીય સેનામાં સામેલ થયા હતા. તેમણે દેશની કરેલી સેવાઓ માટે તેમને પરમ વિશિષ્ઠ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી એનાયત કરવામાં આવ્યો છે.