GCAS પોર્ટલમાં વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈ ABVPનું વિરોધ પ્રદર્શન

Share this story

ગુજરાતમાં આજે સવારથી જ એબીવીપી કાર્યકર્તાઓએ વિરોધ શરૂ કર્યો છે, છેલ્લા કેટલાક સમયથી GCAS પૉર્ટલને લઇને ખામીઓ આવી રહી છે, અને હવે આ પૉર્ટલ જામ થતાં ABVPએ પૂરજોશમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે, અને ઠેક ઠેર દેખાવો સાથે ચક્કાજામ કર્યુ છે. આજે અમદાવાદથી લઇને સુરત, વડોદરા, આણંદ સહિતના શહેરોમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગુજરાતમાં આજે એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. GCAS પૉર્ટલને લઇને ABVP આ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, જામનગર, જેતપુર, મહેસાણામાં વિરોધ પ્રદર્શન શરૂ થયુ હતુ. ખાસ વાત છે કે, વિવિધ પ્રશ્નો, વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યું હતુ. આ ઉપરાંત સુરતમાં આજે સવારથી જ એબીવીપીના કાર્યકર્તાઓઓ રસ્તા રોકીને ચક્કાજામ કર્યો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ખાનગી કૉલેજો મનમાની કરી રહી છે. GCAS પૉર્ટલને લઇને વિરોધ દરમિયાન એબીવીપીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા હતા, અને પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી હતી.

ABVP દ્વારા કહેવાયું કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૪થી રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતાં. જેથી સામાન્ય વિદ્યાર્થીઓને એડમિશનમાં ભારે તકલીફો ઉભી થઈ છે. લાયક વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં તકલીફો પડી રહી છે. ખાનગી કોલેજીસ પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. GCAS પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી હતી.

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ-પોર્ટલ થકી રાજ્યના વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા અત્યંત સરળ બની જશે. એટલું જ નહિ, એડમિશન માટે કોલેજોમાં ધક્કા ખાવા સહિતની જે અગવડતા વિદ્યાર્થી અને વાલીઓએ અનુભવવી પડતી હતી તેનું નિરાકરણ આવી જશે. ટેકનોલોજીની મદદથી ‘અરજી એક, વિકલ્પ અનેક’ના ધ્યેય સાથે ખાસ પોર્ટલ તૈયાર કરી આ પ્રકારની કોમન એડમિશન પ્રક્રિયા શરૂ કરનાર ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે જેનું ગર્વ છે. આ પોર્ટલથી સમગ્ર એડમિશન પ્રક્રિયા ઝડપી થશે જે આવનાર સમયમાં વરદાનરૂપ સાબિત થશે.

આ પણ વાંચો :-