ગાઝામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ UNમાં પસાર, ૧૨૦ દેશોએ આપ્યું સમર્થન, ભારત કેમ કર્યો ઇનકાર

Share this story

ઈઝરાઇલ-હમાસ યુદ્ધ વચ્ચે વધુ એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારત શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં જોર્ડન દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ ઠરાવ પર મતદાનથી દૂર રહ્યું. જેમાં ઈઝરાઇલ-હમાસ યુદ્ધમાં માનવતાવાદી સહાય માટે તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી. ભારત ડ્રાફ્ટ પર મતદાન કરવાથી દૂર રહ્યું કારણ કે, તેમાં આતંકવાદી જૂથ હમાસનો કોઈ ઉલ્લેખ નથી. આ ડ્રાફ્ટમાં ગાઝા પટ્ટીને અવિરત માનવતાવાદી સહાય માટે કહેવામાં આવ્યું છે. તેને બાંગ્લાદેશ, માલદીવ્સ, પાકિસ્તાન, રશિયા અને દક્ષિણ આફ્રિકા સહિત 40 થી વધુ દેશોનું સમર્થન મળ્યું હતું.

ભારત સિવાય જે દેશો વોટથી દૂર રહ્યા તેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, જાપાન, યુક્રેન અને યુકેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, આ પ્રસ્તાવને ભારે બહુમતીથી અપનાવવામાં આવ્યો હતો. ૧૨૦ દેશોએ તેની તરફેણમાં મતદાન કર્યું. ૧૪ તેની વિરુદ્ધ હતા તો ૪૫ દેશોએ મતદાન કર્યું ન હતું.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં દરખાસ્તમાં સુધારા પણ કરવામાં આવ્યા હતા. તેમાં એક ફકરો દાખલ કરવા જણાવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું કે, સામાન્ય સભા ૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ ઈઝરાઇલમાં થયેલા આતંકવાદી હુમલા અને હમાસ દ્વારા બંધક બનાવાની ઘટનાને સ્પષ્ટપણે નકારી કાઢે છે અને નિંદા કરે છે. બંધકો સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ અને તેમની તાત્કાલિક અને બિનશરતી મુક્તિ સુનિશ્ચિત કરવી જોઈએ. ભારતે અન્ય ૮૭ દેશો સાથે આ સુધારાની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે ૫૫ સભ્ય દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું અને ૨૩ ગેરહાજર રહ્યા.

આ પણ વાંચો :-