સંયુક્ત રાષ્ટ્રમાં ગાઝામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ થયો પાસ, ભારતે પક્ષમાં આપ્યો મત

Share this story

ઇઝરાઇલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તાત્કાલિક યુદ્ધવિરામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ઠરાવને પસાર કરાયો હતો. ૧૫૩ દેશોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. આમાં ભારત પણ સામેલ છે. દરેકે પોતાનો મત આપીને ગાઝામાં યુદ્ધવિરામની તરફેણમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, ૧૦ દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. જ્યારે ૨૩ સભ્ય દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

અમેરિકા, ઑસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, ગ્વાટેમાલા, ઇઝરાયેલ, લાઇબેરિયા, માઇક્રોનેશિયા, નૌરુ, પાપુઆ ન્યૂ ગિની અને પેરાગ્વેએ યુદ્ધવિરામના વિરુદ્ધ મતદાન કર્યું હતું. અગાઉ, ઇજિપ્તના રાજદૂત અબ્દેલ ખાલેક મહમૂદે યુએન જનરલ એસેમ્બલીમાં ગાઝામાં યુદ્ધવિરામની હાકલ કરતો ઠરાવ રજૂ કર્યો હતો. તેમના ઠરાવમાં ઇજિપ્તે ગયા અઠવાડિયે સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામ માટેના કોલ પર યુએસ વીટોની નિંદા કરી હતી. મહમૂદે કહ્યું કે આ પ્રસ્તાવ યુદ્ધવિરામ માટે ખૂબ જ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે વિટોનો દુરુપયોગ માનવતાવાદી ધોરણે યુદ્ધવિરામના ઠરાવ સામે કરવામાં આવ્યો હતો, તેમ છતાં તેને ૧૦૦થી વધુ સભ્ય દેશોનું સમર્થન હતું.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે કહ્યું કે અમેરિકા યુદ્ધવિરામ પ્રસ્તાવ સાથે સહમત નથી. અમે ગાઝામાં ગંભીર માનવતાવાદી કટોકટી અને માનવ નરસંહારમુદ્દે ચિંતિત છીએ. તેમણે ૭ ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલાઓની નિંદા કરવા માટે સુધારાની દરખાસ્ત પણ કરી હતી. તેમણે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ એ વાતને સમર્થન આપે છે કે વિશ્વના તમામ દેશોની જેમ ઇઝરાઇલને પણ તેના લોકોનો બચાવ કરવાનો અધિકાર છે.

આ પણ વાંચો :-