Sunday, Feb 8, 2026

લગ્નનું ખોટું વચન આપી યુવતીનું શોષણ, વીડિયો બનાવી ધમકી આપનાર ગેંગનો સુરતમાં પર્દાફાશ

3 Min Read

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી સાથે લગ્નના ખોટા વચનો આપી દુષ્કર્મ, વીડિયો બનાવી બ્લેકમેઈલિંગ અને મિત્રો સાથે શારીરિક શોષણ કરાવ્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આરોપી અશોકે પોતે પરિણીત હોવા છતાં કુંવારો હોવાનું કહી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો અને બાદમાં તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ફરિયાદ અનુસાર, નવેમ્બર 2024માં પી.જી.માં કોઈ હાજર ન હોય ત્યારે અશોકે યુવતીને ત્યાં બોલાવી લગ્નની ખાતરી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતીની જાણ વગર મોબાઈલમાં અંગત વીડિયો પણ ઉતારી લીધો હતો. બાદમાં જ્યારે યુવતીને અશોકના લગ્ન વિશે ખબર પડી અને તેણે સંબંધ તોડવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું.

બ્લેકમેઈલિંગના આધારે અશોકે યુવતીને પોતાના મિત્રો લાલા દરબાર, ભવદીપ અને સંબંધી રણજિત સાથે પણ સંબંધ બાંધવા મજબૂર કરી હતી. આ તમામ આરોપીઓએ અલગ-અલગ સમયે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. સાથે જ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતીને ચૂપ રાખવામાં આવી હતી.

2 આરોપીની ધરપકડ, ફરારની શોધખોળ
ફરિયાદ મળતાં જ વરાછા પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.બી. પટેલ એક્શનમાં આવ્યા હતા. પોલીસે તમામ 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વર્તમાન રિપોર્ટ મુજબ, પોલીસે આ પૈકીના 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો હાલમાં દરોડા પાડી રહી છે.

DCP આલોક કુમારે જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રહેણાક સોસાયટીમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોગ બનનારી યુવતીની ફરિયાદ અનુસાર, વર્ષ 2024થી અત્યારસુધી ચાર શખસોએ અલગ-અલગ સમયે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

‘મુખ્ય આરોપી અશોક પીડિતાના ઘરની નજીક જ રહેતો હતો’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે વરાછા પોલીસે તત્કાલ કાર્યવાહી કરી ગુનો નોંધ્યો છે અને મુખ્ય આરોપીઓ અશોક કાઠી દરબાર, લાલો, ભવદીપ રણજિત આહીર અને અર્જુન આહીર પૈકી બે આરોપી (રણજિત અને અર્જુન)ની ધરપકડ કરી લીધી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી અશોક પીડિતાના ઘરની નજીક જ રહેતો હતો અને પ્રેમસંબંધનો ગેરફાયદો ઉઠાવી તેણે પોતાના મિત્રો સાથે મળી આ કૃત્ય આચર્યું હતું. હાલ પોલીસે બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

Share This Article