રાજ્યમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. મોડાસા-માલપુર હાઈવે પર એસ.ટી બસ અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મોડાસા-માલપુર હાઈવે પર માલપુર તરફથી આવતી એસ.ટી બસ અને મોડાસા તરફથી માલપુર તરફ જતી લક્ઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મોડાસા-માલપુર હાઈવે પર સાકરીયા બસ સ્ટેશન નજીક એસ.ટી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ૨ લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે ૩૦થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એક્ઠા થઈ ગયા હતા. જે બાદ સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ કરાતા ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ બસમાંથી મુસાફરોને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે રાહદારીઓની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાઇક ચાલકને બચાવવા જતાં એસટી બસ રોંગ સાઈડમાં આવતી બીજી બસ સાથે ધડાકાભેર અથડાઇ હતી.
બનાસકાંઠાના થરાદ-ડિસા હાઈવે પર ખોરડા ગામ પાસે ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ૪ લોકોના મોત થયા છે. ટ્રક ચાલકે કારને અડફેટે લેતા કારમાં સવાર ૪ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. તમામ મૃતક વાવના ડાભલિયા વાસના હોવાનું અનુમાન છે. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમગ્ર ઘટનાને પગલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.