Wednesday, Oct 29, 2025

મુંબઈ હુમલાથી લઈને આતંકવાદી તહવ્વુર રાણાના રિમાન્ડ સુધી, વાંચો…….

4 Min Read

મુંબઈ હુમલાના આરોપી આતંકવાદી તહવ્વુર રાણાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 18 દિવસના NIAએ રિમાન્ડ પર મોકલ્યો છે. આતંકવાદી તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ભારત આવતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી. તેને પાલમ એરપોર્ટના ગેટ નંબર 4 પરથી પટિયાલા કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. તહવ્વુર રાણાના રિમાન્ડ અંગેની સુનાવણી સ્પેશિયલ એનઆઇએ જજ ચંદ્રજીત સિંહની કોર્ટમાં થઈ હતી. જોકે,એનઆઇએએ કોર્ટ પાસેથી તહવ્વુર રાણાના 20 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. એનઆઇએ એ તહવ્વુર રાણા વિરુદ્ધ કોર્ટમાં તમામ પુરાવા રજૂ કર્યા હતા.

  • 26 નવેમ્બર 2008: આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચ્યા અને મુખ્ય સ્થળોએ હુમલો કર્યો. અજમલ અમીર કસાબની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી
  • 5 ફેબ્રુઆરી, 2009: કેસમાં ચાર્જશીટ દાખલ
  • 27 ઓક્ટોબર 2009: તહવ્વુર હુસૈન રાણા અને ડેવિડ કોલમેન હેડલીની યુએસમાં એફબીઆઈ દ્વારા ધરપકડ
  • નવેમ્બર 11, 2009: NIAએ દિલ્હીમાં હેડલી, રાણા અને અન્યો સામે કેસ નોંધ્યો
  • 6 મે 2010: મુંબઈની વિશેષ અદાલતે કસાબને ફાંસીની સજા સંભળાવી
  • 9 જાન્યુઆરી 2011: રાણાને યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 14 વર્ષની જેલની સજા ફટકારી હતી
  • 21 નવેમ્બર 2012: કસાબને પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી.

પ્રત્યાર્પણ અને કાનૂની કાર્યવાહી

  • 24 ડિસેમ્બર 2011: NIAએ રાણાના પ્રત્યાર્પણ માટે યુએસને વિનંતી મોકલી
  • 21 જાન્યુઆરી 2025: યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની અરજી સાંભળવાનો ઇનકાર કર્યો
  • 13 ફેબ્રુઆરી 2025: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાણાના પ્રત્યાર્પણની જાહેરાત કરી
  • 27 ફેબ્રુઆરી 2025: રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, જે માર્ચમાં નકારી કાઢવામાં આવી
  • 7 એપ્રિલ 2025: યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની સમીક્ષા અરજી ફગાવી
  • 10 એપ્રિલ 2025: રાણાનું યુએસમાંથી પ્રત્યાર્પણ
  • 11 એપ્રિલ 2025: NIAએ કોર્ટમાં રાણાના 20 દિવસના રિમાન્ડની માંગણી કરી, જે આંશિક રીતે સ્વીકારવામાં આવી અને તેને 18 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો. હવે રાણાને NIA હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યા છે.

પાલમ એરપોર્ટ પર પહોંચ્યા પછી, રાણાને ભારત લાવવા સંબંધિત કેટલાક કાગળની કાર્યવાહી લાંબા સમય સુધી કરવામાં આવી હતી. NIAની ટીમે કોર્ટ પાસે તહવ્વુર રાણાની કસ્ટડીની માંગણી કરી હતી. કોર્ટની મંજૂરી બાદ તેને NIA ઓફિસ લઈ જવામાં આવ્યો હતો. હવે NIAની ટીમ તહવ્વુર રાણાની 18 દિવસ સુધી પૂછપરછ કરશે.

NIAએ કોર્ટમાં શું કહ્યું?
NIAએ પોલીસ કસ્ટડીની માંગ કરતી વખતે ઈમેલ સહિતના મજબૂત પુરાવા ટાંક્યા છે. NIAએ કોર્ટને કહ્યું છે કે ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. NIAએ એમ પણ કહ્યું છે કે રાણાએ અન્ય કાવતરાખોરો સાથે મળીને આતંકવાદી કૃત્યો કરવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. કોર્ટે રાણાને એમ પણ પૂછ્યું હતું કે શું તે પોતાના વકીલને રાખવા માંગે છે કે પછી કોર્ટે તેમને કાનૂની સહાય પૂરી પાડવી જોઈએ.

NIAએ સત્તાવાર નિવેદનમાં શું કહ્યું
મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યા બાદ પાલમ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને લઈને NIAનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે. જેમાં NIAએ માહિતી આપી હતી કે 26/11ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની NIA દ્વારા દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.

તહવ્વુર રાણાના વકીલે શું કહ્યું?
મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તહવ્વુર રાણાના વકીલ, દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીએ જણાવ્યું હતું કે NIAએ 20 દિવસની કસ્ટડી માંગી હતી અને ઘણી વિચાર-વિમર્શ બાદ કોર્ટે 18 દિવસની કસ્ટડી મંજૂર કરી હતી. જો NIAને વધુ સમયની જરૂર હોય તો તેમણે અરજી કરવી જોઈએ.

Share This Article