બીલીમોરામાં મંગળવારે વહેલી સવારે એક રોમાંચક ઘટના બની હતી, જેમાં મુંબઈમાં શસ્ત્રો વેચવા જતી ગેંગ અને પોલીસ વચ્ચે ચાર રાઉંડ ગોળીબાર થયું હતું. આ ઘટનામાં ગેંગના એક સભ્યને પગમાં ઈજા થઈ છે, જ્યારે પોલીસએ ચારે આરોપીઓને ઝડપી લીધા છે.
માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે એક ગેંગ શસ્ત્રો વેચવા માટે મુંબઈ જવાના ઈરાદે બીલીમોરામાં રોકાઈ છે. બાતમીના આધારે પોલીસે બીલીમોરા રેલવે સ્ટેશન નજીક આવેલી એક હોટલમાંથી બે શખ્સોને પકડી પૂછપરછ શરૂ કરી. તેમની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે બાકી ગેંગના સભ્યોનો પીછો કર્યો.

તે દરમ્યાન, ગેંગના ચાર સભ્યો બીલીમોરાના સોમનાથ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. મંદિરની બહાર સ્ટેટ મોનિટરીંગ સેલનું વાહન દેખાતા જ તેઓએ બચવા માટે પોલીસની કિયા કાર પર બે રાઉન્ડ ગોળીબાર કર્યો. પોલીસએ તરત જ જવાબી કાર્યવાહી કરતાં ફાયરિંગ કર્યું, જેમાં ગેંગના એક સભ્યને પગમાં ગોળી વાગી. બાદમાં પોલીસે ચારે આરોપીઓને કાબૂમાં લીધા.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચારેય આરોપીઓમાંના બે રાજસ્થાનના મૂળ નિવાસી છે, પરંતુ હાલ બીલીમોરામાં રહે છે, જ્યારે અન્ય બે મધ્યપ્રદેશના રહેવાસી છે. પોલીસનો અંદાજ છે કે તેઓ મુંબઈમાં શસ્ત્રો વેચવા જઈ રહ્યા હતા. હાલ સ્ટેટ મોનિટરીંગ સેલ અને એસઓજી ટીમે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.