નોબેલ માટે ઉતાવળા બનેલા ટ્રમ્પ: નોર્વેના નાણાંમંત્રીને ફોન પર ધમકી, “પુરસ્કાર નહીં મળે તો ટેરિફ લગાવી દઈશ”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ પુરસ્કાર મેળવવા માટે એટલા ઉત્સુક થઈ ગયા છે કે તેમણે નોર્વેના નાણાંમંત્રીને સીધો ફોન કરીને દબાણ કરવાનો પ્રયાસ કર્યો. નોર્વેના બિઝનેસ અખબાર ડેગેન્સ નેરિંગ્સલિવના અહેવાલ મુજબ, ટ્રમ્પે ફોન પર સ્પષ્ટ કહ્યું કે જો તેમને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં આપવામાં આવે તો અમેરિકા નોર્વે પર વધુ ટેરિફ લાદશે.
અહેવાલ મુજબ, આ ફોન કૉલ ત્યારે આવ્યો હતો જ્યારે નોર્વેના નાણાંમંત્રી ઓસ્લોની સડકો પર વોક માટે નીકળ્યા હતા. અમેરિકી અને નોર્વેજીયન અધિકારીઓ વચ્ચે ટેરિફ અને આર્થિક સહકાર અંગે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે અચાનક ટ્રમ્પે નોબેલ પુરસ્કાર અંગે વાત શરૂ કરી હતી.
ગત મહિને અમેરિકા દ્વારા નોર્વેની આયાત પર 15% ટેરિફ લાદવામાં આવ્યા હતા, જેના પગલે બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન ટ્રમ્પે દલીલ કરી હતી કે તેમણે મધ્ય પૂર્વ, ભારત-પાકિસ્તાન અને કંબોડિયા જેવા દેશોમાં શાંતિ કરારો અને યુદ્ધવિરામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ટ્રમ્પે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં જણાવ્યું કે, “ચાર અમેરિકન રાષ્ટ્રપતિઓને નોબેલ મળ્યો છે, તો પછી મને કેમ નહીં મળે?” ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ, પાકિસ્તાન અને કંબોડિયા સહિત અનેક દેશોએ ડોનાલ્ડ ટ્રમ્પનું નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકન કર્યું છે. તેમ છતાં, અંતિમ નિર્ણય નોર્વેની નોબેલ સમિતિ લે છે કે આ પ્રતિષ્ઠિત સન્માન કોને મળશે
