Thursday, Oct 23, 2025

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન

2 Min Read

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થયું છે. તેમણે કોલકાતામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાને ગુરુવારે સવારે 8.20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે સવારે નાસ્તો પણ કર્યો હતો પરંતુ ટૂંક સમયમાં જ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આમ પણ તેઓ લાંબા સમયથી બીમાર હતા. શ્વાસ લેવામાં તકલીફના કારણે તેમને જુલાઈમાં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ COPD અને વૃદ્ધાવસ્થા સંબંધિત અન્ય રોગોથી પીડિત હતા. તેમની કોલકાતા સ્થિત ઘરે સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્ર છે.

પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષના 34 વર્ષના શાસન દરમિયાન ભટ્ટાચાર્ય સીપીએમ વતી બીજા અને છેલ્લાં મુખ્યમંત્રી હતા. તેમણે 2000થી 2011 દરમિયાન સતત 11 વર્ષ શાસન કર્યું હતું. તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કોલકાતાના અલીપોરમાં ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હાલમાં તેમને ન્યુમોનિયા થયું હતું અને તેના કારણે તેમને વેન્ટીલેશન પર રખાયા હતા.

ઉલ્લેખનીય છેકે ભટ્ટાચાર્ય છેલ્લા કેટલાક સમયથી તબિયતના કારણે જાહેર જીવનથી દૂર હતા. તેમણે 2015માં સીપીઆઈ(એમ)ની પોલિટબ્યુરો અને સેન્ટ્રલ કમિટિમાંથી રાજીનામું આપ્યું અને 2018માં રાજ્ય સચિવાલયનું સભ્યપદ છોડી દીધું હતું. બુદ્ધદેવ ભટ્ટાચાર્યનો જન્મ પહેલી માર્ચ, 1944ના રોજ ઉત્તર કોલકાતામાં થયો હતો. બાદમાં તેઓ CPI(M)માં જોડાયા. તેમને ડેમોક્રેટિક યુથ ફેડરેશનના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા, જે સીપીઆઈની યુવા પાંખ છે, જે પાછળથી ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ભળી ગઈ હતી.

આ પણ વાંચો :-

Share This Article