CM શિંદે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર મુંબઈના પૂર્વ મેયરની ધરપકડ

Share this story

મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેના (ઉબાઠા)ના અગ્રણી નેતા દત્તા દલવીની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ બુધવારે ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. મુખ્ય પ્રધાનના સમર્થકો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને પગલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. શિંદેના સમર્થકોએ આરોપ મૂક્યો હતો કે ભાંડુપમાં એક જાહેર સભા દરમિયાન દલવીએ અપમાનજનક ટિપ્પણી કરી હતી. ભાંડુપ પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩A(૧)(a), ૧૫૩B(૧)(b), ૧૫૩A(૧)(C), ૨૯૪, ૫૦૪ અને ૫૦૫ હેઠળ કેસ નોંધ્યો છે.

દત્તા દલવી, હાલમાં શિવસેના (ઉબાઠા) જૂથમાં, ૨૦૦૫ થી ૨૦૦૭ સુધી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદ પર હતા જ્યારે શિવસેના-ભાજપ ગઠબંધનનું બીએમસીમાં શાસન હતું. તે પહેલા, તેઓ સતત ત્રણ ટર્મ સુધી BMCમાં કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા છે. ભાંડુપ પોલીસ સ્ટેશન પાસે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે બેઠકમાં દલવીએ સીએમ એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. ભાંડુપ પોલીસે આજે સવારે ૮ વાગ્યે વિક્રોલી સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેમની ધરપકડ કરી છે. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ભાંડુપ પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ઠાકરે જૂથના કાર્યકરો એકઠા થયા છે. કાર્યકરો પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સાંસદ સંજય રાઉત અને ધારાસભ્ય સુનીલ રાઉત પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. દત્તા દલવીની ધરપકડ શા માટે થઈ? રાઉત પોલીસને આ સવાલ કરવાના છે. આ પછી તે મીડિયા સાથે વાત કરશે.

આ પણ વાંચો :-