માંડલગઢ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિવેક ધાકડે કર્યો આપઘાત

Share this story
માંડલગઢ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિવેક ધાકડના નિધનથી તેમના સમર્થકોમાં ભારે શોક છે. પ્રાથમિક વિગતો વિવેક ધાકડે હાથની નસો કાપીને આપઘાત કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ તરફ હવે પૂર્વ ધારાસભ્યએ શા માટે આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંડલગઢ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિવેક ધાકડના નિધનથી તેમના સમર્થકોમાં ભારે શોક છે. તેમના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. સમાચાર સાંભળીને મંડલગઢના વર્તમાન ધારાસભ્ય ગોપાલ ખંડેલવાલ અને પૂર્વ મંત્રી રામલાલ જાટ શબઘર પહોંચ્યા હતા અને તેમણે મૃતક ધારાસભ્યના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પોલીસ તપાસમાં આત્મહત્યાનું કારણ કૌટુંબિક અણબનાવ હોવાનું બહાર આવ્યું છે.

વિવેક ધાકડ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. વર્ષ ૨૦૧૭માં માંડલગઢમાં યોજાયેલી પેટાચૂંટણીમાં તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા અને ચૂંટણી જીતી હતી. ૨૦૨૩માં કોંગ્રેસે તેમને ફરીથી ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા પરંતુ આ વખતે તેઓ ચૂંટણી હારી ગયા. વિવેક ધાકડે બુધવારે 3 એપ્રિલ, ૨૦૨૪ના રોજ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સી.પી. જોશીના નોમિનેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન દોતાસરા સાથે સ્ટેજ પર પૂર્વ સીએમ અશોક ગેહલોત અને પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ પણ હાજર હતા.

માંડલગઢના ધારાસભ્ય ગોપાલ ખંડેલવાલે વિવેક ધાકડના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે, આ ખૂબ જ દુઃખદ સમાચાર છે અને તેના કારણે મારા સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે. તેમણે કહ્યું કે, અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે પરિવારને આ દુઃખદ સમયમાં આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. આ તરફ હવે પૂર્વ ધારાસભ્યના આપઘાત કેસમાં પારિવારિક વિખવાદનો મામલો પણ સામે આવી રહ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-