ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન શિબુ સોરેનનું સોમવારે 81 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પુત્ર અને ઝારખંડના સીએમ હેમંત સોરેને આની પુષ્ટિ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, આદરણીય દિશોમ ગુરુજી આપણને બધાને છોડીને ચાલ્યા ગયા છે. આજે હું શૂન્ય થઈ ગયો છું.
સર ગંગા રામ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે શિબુ સોરેનને આજે સવારે 8:56 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું હતું. તેઓ કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને દોઢ મહિના પહેલા તેમને સ્ટ્રોક પણ આવ્યો હતો. છેલ્લા એક મહિનાથી તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. 81 વર્ષીય શિબુ સોરેન લાંબા સમયથી હોસ્પિટલમાં નિયમિતપણે સારવાર લઈ રહ્યા હતા.
ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને 24 જૂનના રોજ તેમના પિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે કહ્યું હતું કે, તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓની તપાસ કરવામાં આવી રહી છે. શિબુ સોરેન છેલ્લા 38 વર્ષથી ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા હતા અને તેમને પાર્ટીના સ્થાપક સંરક્ષક તરીકે ઓળખવામાં આવે છે.
શિબુ સોરેનની રાજકીય કરિયર પર એક નજરતેમણે ઝારખંડના અલગ રાજ્યની રચના માટેના આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 1970ના દાયકાની શરૂઆતમાં તેમણે આદિવાસી જમીનોને બહારના હિતોથી મુક્ત કરાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી અને એક પ્રભાવશાળી આદિવાસી નેતા તરીકે ઉભરી આવ્યા હતા.
1973 માં, તેમણે અન્ય નેતાઓ સાથે મળીને ઝારખંડ મુક્તિ મોરચાની સ્થાપના કરી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય બિહારના પૂર્વીય અને દક્ષિણી ભાગોમાંથી અલગ ઝારખંડ રાજ્ય બનાવવાનો હતો. આ લક્ષ્ય 2000માં હાંસલ થયું હતું.તેઓ ડુમકા મતવિસ્તારમાંથી સાત વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. જેમાં 1980, 1989, 1991, 1996, 2004, 2009 અને 2014 ના કાર્યકાળનો સમાવેશ થાય છે. તેઓ 2002 અને 2020માં રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. 2004માં તેઓ મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રીય કોલસા મંત્રી બન્યા હતા.