કૉંગ્રેસના માથે કલંક સમા 1984માં થયેલા શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસમાં દિલ્હી કોર્ટે નિર્ણય આપ્યો છે. લગભગ ચાર દાયકા બાદ કોર્ટે કૉંગ્રેસના નેતા સજ્જન કુમારને બે શીખોની હત્યા કરવાના કેસમાં દોષી ઠેરવ્યા છે. કોર્ટે પોતાના નિર્ણયમા જણાવ્યું હતું કે સરસ્વતી વિહાર ખાતે બે શીખોની હત્યા કરવાના કેસમાં સજ્જન કુમાર દોષિત છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ, કોંગ્રેસના તત્કાલીન સાંસદ સજ્જન કુમાર ભીડનું નેતૃત્વ કર્યું હતું. સજ્જન કુમાર પર આરોપ છે કે, તેમણે હુમલા કરવા માટે ભીડને ભડકાવ્યા હતા, ત્યારબાદ બંને શીખોને ઘરમાં જ જીવતા સળગાવી દેવાયા હતા. ભીડે ઘરમાં તોડફોડ, લૂંટફાટ અને આગ ચાંપી હતી.
ઘટના બાદ ઉત્તર દિલ્હીના સરસ્વતી વિહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ રંગનાથ મિશ્રા આયોગ સમક્ષ રજુ કરેલ એફિડેવિટના આધારે આ FIR નોંધવામાં આવી હતી. દિલ્હી કેન્ટ હિંસા મામલે સજ્જ કુમાર આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં નિચલી કોર્ટના નિર્ણયને પલટાવી સજ્જન કુમારને આજીવન કેદની સજા સંભળાવી હતી.
ઉલ્લેખનીય છે કે, તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશભરમાં શીખ વિરોધી રમખાણો ફેલાયા હતાં. રાજધાની દિલ્હીમાં પણ મોટે પાયે શીખોની હત્યા થઇ હતી. દિલ્હી કેન્ટના રાજનગર વિસ્તારમાં સજ્જન કુમારના ઉશ્કેરણીજનક ભાષણ બાદ પાંચ શીખોની હત્યા કરવામાં આવી હતી. શીખવિરોધી રમખાણોની તપાસ કરનાર નાણાવટી પંચના એક રિપોર્ટમાં સજ્જન કુમારની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યાં બાદ સીબીઆઇએ 2005માં આ મામલો ફરીથી ખોલ્યો હતો અને સજ્જન કુમાર, કેપ્ટન ભાગમલ, મહેન્દ્ર યાદવ, ગિરધારી લાલ, કૃષ્ણ ખોખર અને બલવંત ખોખર વિરુદ્ધ કેસ નોંઘ્યો હતો. સીબીઆઇએ આ તમામ આરોપીઓ વિરુદ્ધ 13 જાન્યુઆરી 2010ના દિવસે ચાર્જશીટ દાખલ કરી હતી.
1 નવેમ્બર, 2023ના કોર્ટે સજ્જન કુમારનું નિવેદન નોંધ્યું હતું. સજ્જન કુમારે પોતાની સામેના બધા આક્ષેપોનો રદિયો આપ્યો હતો. એમના વકીલે દલીલ કરી હતી કે સજ્જન કુમારનું નામ શરૂઆતથી કેસમાં નહોતું. એક સાક્ષીએ 16 વર્ષ બાદ સજ્જન કુમારનું નામ લીધું હતું.