પાકિસ્તાનમાં ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 243 લોકોનાં મોત થયા છે, અને ધણા લોકો હજુ પણ ગુમ છે. તેમજ આ આફતમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર ઉત્તરપશ્ચિમનો બુનેર જિલ્લો છે. જ્યાં શુક્રવારે આવેલા પૂરમાં 157 લોકો માર્યા ગયા. આ ઉપરાંત પરિસ્થિતિની ગંભીરતાને જોતા, બુનેરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે, અને બચાવ ટીમો બોટ અને હેલિકોપ્ટર દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વરસાદ સંબંધિત આ ઘટનાઓમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 26 જૂનથી અત્યાર સુધીમાં દેશભરમાં ઓછામાં ઓછા 556 લોકોનાં મોત થયાં છે.
અધિકારીઓએ જણાવ્યું કે તાત્કાલિક અસર હેઠળ 1122 ઈમરજન્સી ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે. માત્ર બુનેર જિલ્લામાં જ 2071થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જેમાં 300થી વધુ બાળકો પણ શામેલ છે. દૂરદર્શન વિસ્તાર અને ડુંગળીયાઓ વચ્ચે આવેલ ગામો સુધી રાહત પહોંચાડવા હેલિકોપ્ટરનો સહારો લેવાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં માર્ગ સંપર્ક તૂટી જવાને કારણે હેલિકોપ્ટર જ એકમાત્ર આશરો બની રહ્યા છે.
MI-17 હેલિકોપ્ટર દુર્ઘટનામાં 5 લોકોના મોત
રાહત અને બચાવ કામગીરી માટે જતાં એક MI-17 હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું, જેમાં હેલિકોપ્ટર સ્ટાફના પાંચ સભ્યોના મરણ થયા. સરકારે શહીદ થયેલા પાઈલટ્સ અને ક્રૂ માટે એક દિવસના રાષ્ટ્ર શોકની જાહેરાત કરી છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત પરિવારો અને પ્રવાસીઓને બહાર કાઢવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, ઉત્તરમાં હિમનદી તળાવો ફાટવાથી આવતા પૂર અંગે નવી ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોને જોખમી વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.