કેનેડાના વાનકુવરથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટનું કોલકાતા ખાતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વાનકુવર થી દિલ્હી આવતી ફ્લાઈટ કોલકાતા થઈને આવતી હોય છે. આ દરમિયાન દિલ્હીના એક 70 વર્ષીય મુસાફર દલબીર સિંહની હાલત અચાનક બગડી ગઈ હતી. છાતીમાં દુખાવો શરૂ થયો હોવાના કારણે કોલાકાતા એરપોર્ટ પર રાત્રે 09:15 વાગ્યે મેડિકલ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મુસાફરને ઉતારીને બાકીના 176 મુસાફરો સાથે વિમાન ફરી 10:10 વાગ્યે દિલ્હી જવા માટે રવાના થઈ ગયું હતું.
તબીબોએ મુસાફર દલબીર સિંહને મૃત જાહેર કર્યાં
મળતી વિગતે પ્રમાણે, દલબીર સિંહને વિમાનમાંથી ઉતાર્યાં બાદ સત્વરે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. પરંતુ અહીં હાલત વધારે ગંભીર થતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. આ સમગ્ર મામલે પોલીસે મૃતકના પરિવારને જાણ કરી દીધી છે. આ સાથે સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આરજી કર મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પરિવાર દિલ્હીથી કોલકાતા આવવા માટે રવાના થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.