કેનેડામાં બે મહિલાઓ સહિત પાંચ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી હતી. ડરહામ રિજનલ પોલીસ મુજબ, એજેક્સમાં આવેલા એમેઝોન વેરહાઉસમાંથી $2 મિલિયન ડોલર (આશરે 18.5 કરોડ રૂપિયા)થી વધુના સામાનની ચોરી થઈ છે. જેની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ડરહામ રિજનલ પોલીસના જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિનામાં તેમણે 789 સેલમ રોડ પર આવેલા ફુલફિલમેન્ટ સેન્ટરમાં કામ કરતા બે કર્મચારીઓ સામે તપાસ શરૂ કરી હતી.
એમેઝોનના લોસ પ્રિવેન્શન કર્મચારીઓ દ્વારા પોલીસને બાતમી આપીને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બે વર્ષના સમયગાળા દરમિયાન અંદાજે $2 મિલિયન ડોલરની કિંમતનો માલસામાન ચોરી થયો હતો. સોમવારે બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
અધિકારીઓએ સ્કારબરોમાં એક રહેણાંક મકાનમાં સર્ચ વોરંટ દરમિયાન અંદાજે 2,50,000 ડોલરની કિંમતના હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક્સ અને 50,000 કેનેડિયન ડોલર જપ્ત કર્યા હતા. આ કેસમાં પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ તમામ ગુજરાતીઓ છે.
કયા લોકોની ધરપકડ થઈ
- મેહુલ બળદેવભાઈ પટેલ (36 વર્ષ, ન્યૂમાર્કેટ): તેમના પર 5000 ડોલરથી વધુની છેતરપિંડી અને 5000 ડોલરથી વધુની ચોરીનો આરોપ છે.
- આશિષકુમાર સવાણી (31 વર્ષ, સ્કારબરો): તેમના પર પણ 5000 ડોલરથી વધુની છેતરપિંડી, 5000 ડોલરથી વધુની ચોરીનો આરોપ છે. તેમજ ગુના દ્વારા મેળવેલી મિલકતનું ટ્રાફિકિંગ કરવાનો પણ આરોપ છે.
- બંસરી સવાણી (28 વર્ષ, સ્કારબરો): તેમના પર ટ્રાફિકિંગના હેતુથી ગુનાહિત મિલકત રાખવા અને ગુના દ્વારા મેળવેલી રોકડ રાખવાનો આરોપ છે.
- યશ ધામેલિયા (29 વર્ષ, સ્કારબરો): તેમના પર ટ્રાફિકિંગના હેતુથી ગુના દ્વારા મેળવેલી મિલકત રાખવાનો આરોપ છે.
- જાનવીબેન ધામેલિયા (28 વર્ષ, સ્કારબરો): તેમના પર પણ ટ્રાફિકિંગના હેતુથી ગુના દ્વારા મેળવેલી મિલકત રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હજુ સુધી આમાંથી કોઈ પણ આરોપ કોર્ટમાં સાબિત થયા નથી. જો કોર્ટમાં આરોપ સાબિત થશે તો પાંચેય ગુજરાતીઓને કડક સજા થઈ શકે છે. ઉપરાંત તેમનો દેશ નિકાલ પણ કરવામાં આવી શકે છે.