ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે અનેક મકાનોને નુકસાન થયું હતું. અનેક મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી. વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધીના લોકોએ સાંભળ્યો હતો.
મોડી રાત્રે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ, ફાયર બ્રિગેડ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ ઓફિસરના જણાવ્યા અનુસાર ધરાશાયી થયેલા મકાનોના કાટમાળ નીચે દટાયેલા 12 લોકોને બચાવી લેવાયા છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે.
સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યાના અરસામાં ફટાકડાના વેરહાઉસમાં આગ ફાટી નીકળ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આગ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો હતો અને ત્યાર બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે વેરહાઉસની આસપાસના ઘરોની છત અને દિવાલો પણ ધરાશાયી થઈ હતી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, નૌશેહરા ગામમાં વર્ષોથી ફટાકડાનો ગેરકાયદે ધંધો ચાલે છે અને આ પહેલા પણ નાના મોટા અકસ્માતો થયા છે, પરંતુ આ વિસ્ફોટ અત્યાર સુધીનો સૌથી ભયાનક છે. સ્થાનિકો આ ગેરકાયદે ધંધાને સંપૂર્ણ રીતે બંધ કરવાની વહીવટીતંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે. આ ઘટના બાદ ફિરોઝાબાદ પ્રશાસન ઊંઘમાંથી જાગ્યું છે અને ગેરકાયદેસર ફટાકડાના ગોદામોની તપાસના આદેશ આપ્યા છે. વહીવટીતંત્રનું કહેવું છે કે જો વેરહાઉસમાં કોઈ ગેરરીતિ જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો :-