સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં અંગત અદાવતના કારણે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં 25 વર્ષીય યુવક ચિરાગ ગજેન્દ્ર ગોડક્યાને ગોળી વાગતા ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તબીબોએ યુવકના શરીરમાંથી ગોળી કાઢી સારવાર શરૂ કરી છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ફાયરિંગની ઘટના 15 જાન્યુઆરીના રોજ રાત્રે લગભગ 8:30 વાગ્યે ગોડાદરા વિસ્તાર નજીક આસપાસ દાદા મંદિર સામે આવેલી કલાકુંજ સોસાયટીમાં બની હતી. અગાઉ થયેલી એક હત્યાની અદાવતને લઈને આરોપીએ યુવક પર ગોળીબાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હુમલાનો ઉદ્દેશ હત્યા કરવાનો હોવાનું પોલીસે આશંકા વ્યક્ત કરી છે.
ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ પુરાવા મળવાની શક્યતા છે.
પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ફાયરિંગ કરનાર આરોપીની અટકાયત કરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી અગાઉથી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.