મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન દમનીમાં ફાયરિંગ અને BJP કાર્યાલયમાં તોડફોડ

Share this story

મધ્યપ્રદેશની ૨૩૦ બેઠકો અને છત્તીસગઢની ૭૦ બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. મધ્યપ્રદેશના ઈન્દોર, દિમની, ઝાબુઆ અને ભિંડ, જ્યારે છત્તીસગઢના રાયપુરમાં કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હોવાના અહેવાલો મળ્યા છે. મુરૈનાની દિમની બેઠક પર ફાયરિંગ થયું છે. આ બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર ચૂંટણી લડી રહ્યા છે.

છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં ૭મી નવેમ્બરે મતદાન થયું હતું, મધ્યપ્રદેશમાં ૨ હજાર ૫૩૩ અને છત્તીસગઢમાં ૯૫૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા પણ મતદાન માટે સંપૂર્ણ તૈયારીઓ કરાઈ છે. ૬૪ હજાર ૬૨૬ પોલિંગ બૂથ પર તમામ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થશે. મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોનાં ચૂંટણી પરિણામો ત્રીજી ડિસેમ્બરે આવશે.

મધ્યપ્રદેશના દિમની બેઠક પર ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. મુરૈનાની દિમની બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર મેદાનમાં છે. અહીં મીરઘાન ગામમાં ફાયરિંગ કરાયા બાદ ભારે અફરાતફરી સર્જાઈ છે. ઘટનામાં ૨ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે બુથ પર મતદાન ચાલી રહ્યું છે.

મધ્યપ્રદેશમાં મતદાન શરૂ થયાના થોડા કલાકો પહેલા જ જુદા જુદા વિસ્તારોમાં હંગામાની ઘટનાઓ સામે આવી છે. ચંબલના ભિંડ વિસ્તારમની અટેરા વિધાનસભા બેઠક પરના અપક્ષ ઉમેદવાર ચંદ્ર પ્રકાશ કરૈયા લોકોને નાણાં વેચતો ઝડપાયો છે. આ દરમિયાન લોકોએ તેને પકડી પાડ્યો છે. કરૈયા ઝુંપડપટ્ટીમાં જઈને લોકોને નાણાં વેચતો હોવાનો આરોપ લાગ્યો છે. આ દરમિયાન લોકોએ કરૈયાને પકડી પાડ્યો છે અને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને સોંપી દીધો છે. આ દરમિયાન કરૈયાની સાથે આવેલા કેટલાક લોકો સાથે મારપીટ થઈ છે. ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના ઉમેદવાર હેમંત કટારે પણ પહોંચી ગયા હતા.

નર્મદાપુરમના માખનનગરમાં BJP કાર્યાલયમાં તોડફોડ થઈ હોવાની ઘટના સામે આવી છે. ભાજપે કોંગ્રેસના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે કેટલાક અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી છે. તોડફોડનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કોંગ્રેસ ઉમેદવાર પુષ્પરાજ સિંહ પટેલ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે.

મધ્યપ્રદેશમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે. જો કે, નક્સલ પ્રભાવિત બૈહર વિધાનસભા, લાંજી, પરસવારા, બિછિયાના ૪૭ કેન્દ્રો, મંડલા વિધાનસભાના ૮ કેન્દ્રો, ડિંડોરીના ૪૦ કેન્દ્રો પર બપોરે 3 વાગ્યા સુધી જ મતદાન થશે.

છત્તીસગઢમાં બીજા તબક્કામાં ૨૨ જિલ્લાની કુલ ૭૦ વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ માટે ૯૫૮ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૮૨૭ પુરુષ અને ૧૩૦ મહિલા ઉમેદવારો અને થર્ડ જેન્ડરમાં એક ઉમેદવાર મેદાનમાં છે. મતદાનનો સમય બેઠકો પ્રમાણે બદલાશે. બિન્દ્રાવગઢ વિધાનસભા ક્ષેત્રના ૯ મતદાન મથકો પર સવારે સાતથી બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થશે. ઉપરાંત તમામ વિધાનસભા મતવિસ્તારોના મતદાન કેન્દ્રો પર મતદાનનો સમય સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે.

મધ્યપ્રદેશમાં કુલ ૨૩૦ બેઠકો પર મતદાન મથકોની સંખ્યા ૬૪,૬૨૬ છે, તેમાંથી ૧૭૦૩૨ ક્રિટિકલ મતદાન કેન્દ્રો છે. સંવેદનશીલ મતદાન મથકો ૧૩૧૬ છે. ૫૧૬૦ કેન્દ્રો પર મહિલા સ્ટાફ તૈનાત છે. કેન્દ્રોમાં ૧૮૩ વિકલાંગ કર્મચારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે. ચૂંટણી માટે ૮૪૭ ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ, ૯૯૭ સ્ટેટિક સર્વેલન્સ ટીમ, ૧ એર એમ્બ્યુલન્સ, ૨ હેલિકોપ્ટર પણ તૈનાત છે.

આ પણ વાંચો :-