Tuesday, Oct 28, 2025

ઝારખંડમાં દોડતી ટ્રેનની બોગીમાં લાગી આગ, ટ્રેન ધીમી પડતા મુસાફરો જીવ બચાવવા કૂદ્યા

2 Min Read

ઝારખંડમાં હાવડા-નવી દિલ્હી રેલ કોરિડોરમાં આજે એક મોટી હોનારત ટળી ગઈ હતી, જ્યારે સુપરફાસ્ટ ટ્રેનના કોચમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગવાની ઘટના જામતાડા જિલ્લાના કાલાઝરિયા રેલવે ટ્રેક નજીક બની હતી. આગ લાગ્યાની જાણ થયા પછી પ્રવાસીઓએ પણ ડરના માર્યા ટ્રેનમાં કૂદી પડ્યા હોવાનું સાક્ષીઓએ જણાવ્યું હતું.

હાવડા નવી દિલ્હી ટ્રેન (દાનાપુર-ટાટાનગર સુપરફાસ્ટ ટ્રેન નંબર 18184)માં આગ લાગવાનો બનાવ બન્યો હતો. વિદ્યાસાગર અને જામતાડા સ્ટેશનની વચ્ચે આગ લાગ્યાની ઘટના નોંધાઈ હતી. એન્જિન પછીના ત્રીજા કોચમાં અચાનક આગ લાગી હતી. આગ લાગ્યાની લોકો પાઈલટને જાણ થયા પછી તાત્કાલિક ટ્રેનને રોકી દેવામાં આવી હતી તથા પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર પણ કાઢવામાં આવ્યા હતા.

કાલાઝરિયા ખાતે ટ્રેનને લગભગ 45 મિનિટ સુધી રોકી દેવામાં આવી હતી, જ્યારે રેલવેના કર્મચારીએ ફાયર એક્સટિંગ્વિશરથી કાબૂ મેળવવામાં આવ્યો હતો. એવું પણ કહેવાય છે, જ્યારે ટ્રેન રોકાઈ ત્યારે જીવ બચાવવા માટે સૌથી પહેલા પ્રવાસીઓએ ટ્રેનમાંથી કૂદકા મારીને ભાગ્યા હતા.

ટ્રેનના વ્હિલમાં નીચે સ્પાર્ક થવાને કારણે આગ લાગી હતી, પરિણામે ટ્રેનમાં સવાર પ્રવાસીઓ ડરી ગયા હતા અને અમુક લોકોએ જીવ બચાવવા ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. જામતાડા રેલવે સ્ટેશને ટ્રેન પહોંચ્યા પછી ટ્રેનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને આગ લાગવા મુદ્દે વિસ્તૃત તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Share This Article