અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે સોમવારે મોડીરાત્રે એક અત્યંત કરુણ દુર્ઘટના બની હતી. ધનસુરા તરફ જતા માર્ગ પર આવેલા પેટ્રોલપંપની સામે થી પસાર થતી એમ્બ્યુલન્સમાં અચાનક અગમ્ય કારણોને કારણે ભયાનક આગ લાગી હતી. આ આગમાં સારવાર માટે લઈ જવાતાં નવજાત બાળક સહિત ચાર લોકો જીવંત ભડથું થઇ ગયા હતાં. અમદાવાદ તરફ જતી આ એમ્બ્યુલન્સના બર્નિંગ દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે.
માહિતી મુજબ લુણાવાડાના રહેવાસી જિજ્ઞેશભાઈ મોચીના નવા જન્મેલા બાળકને મોડાસાની રિચ હોસ્પિટલથી વધુ સારવાર માટે અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યું હતું. દરમિયાન રસ્તામાં એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી, જેમાં પાછળના ભાગમાં બેઠેલા નવજાત બાળક, એક ભાઈ, એક બહેન અને હોસ્પિટલ સ્ટાફ એમ ચાર લોકો જીવ ગુમાવી બેઠા. આ દરમિયાન આગળની સીટમાં બેઠેલા દર્દીના કાકા, દાદી અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર દાઝ્યા હતા પરંતુ તેઓ જીવ બચાવી શક્યા હતા.
મોડાસા નગરપાલિકાના ફાયર અધિકારી હેમરાજ વાઘેલાએ જણાવ્યું કે રાત્રે 1.40 વાગ્યે મળેલા કોલ બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. શરૂઆતમાં ત્રણનાં મોતની માહિતી મળી હતી, પરંતુ બાદમાં નવજાત બાળકના પિતાનું પણ મોત થયાનું સામે આવ્યું હતું.
આ ઘટનામાં દાઝી ગયેલા ગૌરાંગ મોચીએ જણાવ્યું કે રિચ હોસ્પિટલથી તેમને અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ મોકલવામાં આવી હતી અને પેશન્ટને લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપી ફેલાઇ કે પાછળ બેઠેલા લોકો બહાર નીકળી ન શક્યા અને જીવ ગુમાવવો પડ્યો, જ્યારે આગળ બેઠેલા ત્રણ લોકો જેમતેમ ગાડીમાંથી કૂદી બચી ગયા. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.