Tuesday, Mar 24, 2026

સુરત ખજોદ ડમ્પિંગ સાઈટ પર ફરી ભીષણ આગ: કચરા કૌભાંડ અને સ્વચ્છતા દાવા પર સવાલ

2 Min Read

સુરતના ખજોદ ખાતે આવેલી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી છે. માત્ર 52 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા છે. આ ઘટનાએ ફરી પાલિકાની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે અને ‘કચરા કૌભાંડ’ના આક્ષેપો ફરી ઉછળવાની શક્યતા વધારી છે.

આજે બપોરે અચાનક લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી. આગ એટલી ભયાનક છે કે તેનો ધુમાડો કિલોમીટરો દૂરથી દેખાઈ રહ્યો છે. વેસુ, વીઆઈપી રોડ અને અલથાણ જેવા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પણ ધુમાડાના ગોટેગોટા સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યા છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસો ચાલી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગને ચાર દિવસ સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તે સમયે પણ કચરાના યોગ્ય નિકાલ અને મેનેજમેન્ટ અંગે પાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા હતા.

સુરત મહાનગરપાલિકા દ્વારા કચરાના નિકાલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં આવી ઘટનાઓ વારંવાર બનતા લોકોમાં રોષ ફેલાયો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કચરાના વજન અને નિકાલમાં થતી ગેરરીતિઓ છુપાવવા માટે ઈરાદાપૂર્વક આગ લગાડવામાં આવતી હોય શકે. 52 દિવસ પહેલા લાગેલી આગ પછી કયા પગલાં લેવામાં આવ્યા તેની સ્પષ્ટતા હજુ સુધી સામે આવી નથી, ત્યારે ફરી આવી ઘટના બનતા પ્રશાસન સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

Share This Article