જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સાથે જોડાયેલા તમામ વિઝા રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભે ગૃહમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તમામ રાજ્યોને તાત્કાલિક ધોરણે પોતાને ત્યાં રહેતાં પાકિસ્તાનીઓને તેમના વતન મોકલવા આદેશ આપવા કહ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને તેમના રાજ્યોમાં પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરીને તેમને પાછા મોકલવા જણાવ્યું છે. ગૃહ મંત્રી શાહે શુક્રવારે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને તેમને તેમના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા કહ્યું હતું. આ સાથે તેમણે એ પણ સુનિશ્ચિત કરવા કહ્યું કે તમામ પાકિસ્તાની નાગરિકોને તેમના દેશમાં પાછા મોકલવામાં આવે.
અટારી-વાઘા બોર્ડર પણ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે. પાકિસ્તાની નાગરિકોને આ માર્ગે પરત ફરવા માટે એક મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત કર્મચારીઓની સંખ્યા 55થી ઘટાડી 30 કરવામાં આવી છે. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના જૂથ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા મંગળવારે 22 એપ્રિલે કાશ્મીરના પહલગામમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 26 નિર્દોષ લોકો માર્યા હતાં. અને 17 લોકો ઘાયલ થયા હતાં.
ભારતે તેના પત્રમાં જણાવ્યું હતું કે સંધિમાં ઉલ્લેખિત વસ્તી પરિવર્તન, સ્વચ્છ ઉર્જાના વિકાસ અને પાણી વિતરણ સંબંધિત વિવિધ પરિબળો બદલાયા છે. ભારતે કહ્યું છે કે કોઈપણ સંધિનો અમલ સદ્ભાવનાથી થવો જોઈએ, પરંતુ પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતે પાકિસ્તાન સરકારને નોટિસ મોકલીને સંધિની કલમ XII (3) હેઠળ સિંધુ જળ સંધિ, 1960 (સંધિ) માં સુધારો કરવાની માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે સંધિના અમલ પછી પરિસ્થિતિઓમાં મૂળભૂત ફેરફારો માટે સંધિના વિવિધ લેખો હેઠળ જવાબદારીઓનું પુનર્મૂલ્યાંકન જરૂરી છે.