શેરબજારમાં લાભ પાંચમના દિવસે સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 79476 સામે આજે બુધવારે 295 પોઇન્ટના ઉંચા ગેપમાં 79771 ખુલ્યો હતો. આઈટી અને ઓટો શેરમાં મજબૂતીથી સેન્સેક્સ વધીને ઉપરમાં 79800ની સપાટી કુદાવી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી 24213 પાછલા બંધ સામે ઉચા ગેપમાં આજે 24308 ખુલ્યો હતો. નિફ્ટી આઈટી 300 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ખૂલ્યા બાદ 638.71 પોઈન્ટ ઉછળી 80115ના સ્તરે પહોંચ્યો હતો. જે 11.04 વાગ્યે 469.98 પોઈન્ટના ઉછાળે 79945.41 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 13 શેર્સ ઘટાડા તરફી અને 17 શેર્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી 50 139.65 પોઈન્ટ ઉછાળે 24352.95ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50 ખાતે 30 શેર્સ ગ્રીન ઝોનમાં અને 20 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE ખાતે ટ્રેડેડ 3839 સ્ક્રિપ્સ પૈકી 2693 શેર્સમાં સુધારે અને 998 શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. 185 શેર્સ વર્ષની નવી ટોચે, જ્યારે 309 શેર્સમાં અપર સર્કિટ વાગી છે. આ સિવાય 137 શેર્સમાં લોઅર સર્કિટ અને 11 શેર્સમાં વાર્ષિક તળિયું જોવા મળ્યું છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત જીતને ધ્યાનમાં લેતાં ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં તોફાની તેજી આવી છે. બિટકોઈન લાંબા સમય બાદ 75000 ડોલરના લેવલે સ્પર્શ્યો છે. ટ્રમ્પની નીતિઓ ક્રિપ્ટો કરન્સી માર્કેટ માટે વધુ અનુકૂળ હોવાના અંદાજ સાથે ક્રિપ્ટો કરન્સીના રોકાણકારોએ ખરીદી વધારી છે. બિટકોઈન 11.42 વાગ્યે 9.02 ટકાના ઉછાળે 74737 ડોલરના લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે એલન મસ્કનો ડોઝકોઈન 2.79 ટકા ઉછાળે 0.207 ડોલરે ટ્રેડ થઈ રહ્યો છે.