સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિક સુરત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરનું ડેન્ગ્યુ થવાથી મૃત્યુ નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. મનપા સંચાલિત હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ધારા ચાવડા નામના તબીબને ડેન્ગ્યુ થયો હતો. જેમની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. ત્યારે તેમનું સારવાર દરમિયાન જ મૃત્યું નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં અનરાધાર વરસાદ બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમદાવાદમાં રહેતી ૨૪ વર્ષીય ડો. ધારા ચાવડા પાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજમાં એનેસ્થેસીયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સ્મીમેરમાં એનેસ્થેસીયા વિભાગમાં ફરજ બજાવતી હતી. જોકે તેને બે – ત્રણ દિવસથી તાવ આવતો હતો. તેની તબિયત વધુ પડતા સારવાર માટે મંગળવારે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં તેનો ટેસ્ટ કરતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો હતો. બાદમાં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં આજે વહેલી સવારે તેનું મોત થયું હતું.
મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મહિલા ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુમા મોત થયુ છે. જે હોસ્ટેલમાં ડો ધારા ચાવડા રહેતા હતા ત્યાં ગંદકીની ભરમાર જોવા મળે છે. હોસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ ગટર ઊભરાતી નજરે આવી છે. જયાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી છે. દારૂની બોટલો મળી આવી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં સપડાઈ ચૂકી છે. રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કોલ ગર્લ બોલાવતા મોટો વિવાદ થયો હતો. જ્યારે અન્ય રેસિડેન્ટ ડોક્ટર્સ દારૂના નશામાં પણ મળી આવ્યા હતા. જો કે, અગાઉની ઘટનાઓ પરથી પણ હોસ્પિટલ તંત્રે કોઈ બોધપાઠ ન લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે ફરી એકવાર ગંદકીનાં ઢગલાંમાંથી બિયરનાં ટીન મળી આવ્યા છે. સાથે જ હોસ્પિટલમાં ગંદકીમાંનાં કારણે લોકો રોગચાળાનો શિકાર બની રહ્યા હોવાનાં પણ આરોપ થઈ રહ્યા છે. આ મામલે હવે હોસ્પિટલ તંત્ર અને સુરત કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો :-