ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં હાહાકાર મચી ગયો છે. ગઈ કાલે રાતના સમયે ભરૂચ હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાંક રૂમમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
આપઘાતનું કારણ હજુ અકબંધ
મૂળ ભાવનગરની 27 વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમારના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ મામલે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે મૃતકના પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.