પંજાબના લુધિયાણામાં શિવસેનાના દિગ્ગજ નેતા સંદીપ થાપર ઉર્ફે ગોરા પર નિહંગોએ જીવલેણ હુમલો કરવાની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલ બહાર સ્કુટી પર આવેલા બે નિહંગમાંથી એક નિહંગે તેમના પર તલવારથી ઘણા વાર કર્યા હતા, ત્યારબાદ ત્રણેય ફરાર થઈ ગયા છે. હાલ થાપરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

સંદીપ થાપર શુક્રવારે સવારે સંવેદના ટ્રસ્ટના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે હોસ્પિટલ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે ત્રણ લોકો એક સ્કૂટર પર આવે છે. પછી એક આરોપી વ્યસ્ત રોડ પર જ સંદીપ થાપર પર તલવાર હુમલો કરવાનું શરૂ કરે છે. તે નીચે પડી જાય છે. આ પછી તે ચારથી પાંચ વખત હુમલો કરે છે. લોકો દૂરથી તેમને છોડવા માટે બૂમો પાડે છે. થોડીવારમાં તેઓ સ્કૂટર પર ભાગી જાય છે.
ઘટના સમયે આસપાસના લોકો મોટી સંખ્યામાં હાજર હતા. જોકે આરોપીઓના હાથમાં ધારદાર હથિયારો જોઈને તેમની નજીક જવાની કોઈની હિંમત થઇ ન હતી. આરોપી સંદીપ થાપરને લોહીલુહાણ કરીને ભાગી ગયા હતા. તેને માથામાં ગંભીર ઇજા થઈ છે. તરત જ લોકો તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા. તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને ડીએમસી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.
ડીસીપી જસકિરણજીત સિંહ તેજાએ જણાવ્યું કે અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ટીમ આરોપીને શોધવામાં વ્યસ્ત છે. જ્યારે ડીસીપીને થાપરના ગનમેન અંગે પૂછપરછ કરવામાં આવી તો તેમણે કહ્યું કે જો કોઈ બેદરકારી હશે તો તેની તપાસ કરવામાં આવશે. વિભાગ તેની સામે કાર્યવાહી કરશે.
આ પણ વાંચો :-