ગત ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણાની સરહદ પર ઉભેલા ખેડૂતોએ હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. બિનરાજકીય યુનાઇટેડ કિસાન મોરચાના સભ્ય જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે, શંભુ બોર્ડર ખુલતાની સાથે જ તેઓ દિલ્હી તરફ કૂચ કરશે. તેમની પાસે છ મહિનાનું રાશન છે. તેઓએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, તેમને દિલ્હીના જંતર-મંતર અથવા રામલીલા મેદાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવે. જો રસ્તામાં ક્યાંય પણ સરકાર દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેઓ ત્યાં જ વિરોધ શરૂ કરશે જેની જવાબદારી સંપૂર્ણપણે સરકારની રહેશે.

દલ્લેવાલે કહ્યું કે, શુભકરણના શોટ ગનથી મોત પર હરિયાણા ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હરિયાણા પોલીસ પણ શોટ ગનનો ઉપયોગ કરતી આવી છે. સમગ્ર કેસમાં આરોપીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શુભકરણની હત્યાની તપાસ હરિયાણા પોલીસ અધિકારીઓને સોંપવી યોગ્ય નથી, કારણ કે આરોપો ખુદ હરિયાણા પોલીસ અધિકારીઓ પર જ છે. જો આરોપીઓ જ તપાસ કરશે તો ન્યાય મળવાની આશા નહિવત છે. હરિયાણા સરકાર પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં જઈને શુભકરણની હત્યાની સ્વતંત્ર તપાસનો વિરોધ કરી ચૂકી છે, જેનાથી તેમનો ઈરાદો સ્પષ્ટ થઈ ગયો હતો તેથી તપાસના મુદ્દે હરિયાણા પોલીસ પર વિશ્વાસ ન કરી શકીએ.
આ સાથે તેમણે કહ્યુ કે, તેઓ બુધવારે સવારે અનાજ માર્કેટમાં ભેગા થશે અને ત્યાર બાદ જ તેઓ એસપી ઓફિસ જવા રવાના થશે. તેઓ યુવા ખેડૂત નવદીપ સિંહ જલબેડાની મુક્તિ માટે આ ઘેરો કરી રહ્યા છે અને ગુરુવારે પણ તેમનો વિરોધ ચાલુ રહેશે. ગોળી વાગવાથી શુભકરણના મોત પર હરિયાણા તરફથી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હરિયાણા પોલીસ પણ શોટ ગનનો ઉપયોગ કરી રહી છે. સમગ્ર કેસમાં આરોપીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાનું સંયુક્ત સંમેલન નવી દિલ્હીમાં ૨૨ જુલાઈના રોજ થશે. બંને મોરચાઓએ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત તમામ વિપક્ષી નેતાઓને મુલાકાત માટે પત્રો લખ્યા છે અને તેમની સાથે મુલાકાત કરીને સંસદના આગામી સત્રમાં MSP ગેરંટી સહિત ખેડૂતોની તમામ માંગણીઓ પર પ્રાઈવેટ બિલ લાવવાની માગ કરવામાં આવશે. આગામી દિવસોમાં બંને મોરચાના અધિકારીઓ હરિયાણામાં ઘરે-ઘરે જઈને ખેડૂતો અને મજૂરોને જાગૃત કરશે. હરિયાણામાં ૧૫ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સ્તરની કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે, જેમાં લાખો ખેડૂતો સામેલ થશે.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		