ભારતીય ક્રિકેટના અનુભવી લેગ સ્પિનર અમિત મિશ્રાએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વર્ષ 2003માં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ કરનાર મિશ્રાએ ભારત માટે 22 ટેસ્ટ, 36 વનડે અને 10 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો હતો અને કુલ 156 વિકેટ મેળવી હતી. ટેસ્ટમાં 76, વનડેમાં 64 અને ટી20માં 16 વિકેટ સાથે મિશ્રાએ ભારતની બોલિંગ લાઇનઅપને ઘણી વાર મજબૂત બનાવી હતી. વર્ષ 2017માં વેસ્ટઇન્ડિઝ સામેનો તેમનો છેલ્લો આંતરરાષ્ટ્રીય મુકાબલો રહ્યો હતો.
ભારત માટે રમવાની સાથે મિશ્રાએ IPLમાં પણ પોતાની સ્પિન જાદુથી પ્રશંસકોના દિલ જીતી લીધા. તેમણે IPLમાં 174 વિકેટ મેળવી છે અને હેટ-ટ્રિક લેતા પ્રથમ બોલર તરીકે ઇતિહાસ રચ્યો હતો. છેલ્લા 8 વર્ષથી તેઓ IPL અને સ્થાનિક ક્રિકેટમાં સક્રિય હતા. અમિત મિશ્રાએ નિવૃત્તિ પાછળનું કારણ જણાવતાં કહ્યું કે, હવે યુવા પેઢીને વધુ તક મળે એ માટે તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે.
20 વર્ષની પોતાની કારકિર્દીમાં મિશ્રાએ માત્ર વિકેટ જ નહીં પરંતુ ક્રિકેટ જગતમાં એક મજબૂત ઓળખ ઊભી કરી છે. હવે તેઓ આઈપીએલ તથા સ્થાનિક ક્રિકેટ સાથે કોચિંગ અને યંગસ્ટર્સને માર્ગદર્શન આપવાના છે. તેમની સિદ્ધિઓ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં હંમેશાં યાદ રહેશે.