સુરત એક સમયે સમગ્ર ભારતનું અગ્રણી વ્યાપારી શહેર અને વિશ્વના જગપ્રસિધ્ધ બંદરોમાંનું એક ગણાતું હતું. સમગ્ર ભારતના ઈતિહાસના મધ્યયુગથી સુરત એક અગત્યના વેપાર કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ છે. સુરતનો ભાગળ વિસ્તાર અને ભાગળ રોડ રાજમાર્ગ તરીકે ઓળખાય છે. રાજમાર્ગ પર આવેલી પુરાતન હવેલીઓ, મસ્જિદો અને મંદિરો તેમજ અન્ય ઐતિહાસિક સ્મારકો માટે જાણીતો છે. ભાગળ પાસે ઝાંપાબજાર વિસ્તારમાં આવેલો ક્લોક ટાવર આજે પણ અડીખમ ઉભો છે. 18મી સદીમાં બનેલો ભાગળનો આ ઐતિહાસિક લાલ ક્લોક ટાવર સુરતના ગૌરવભર્યા ઈતિહાસનો સાક્ષી છે, જે શહેરના સમૃદ્ધ ઈતિહાસને પ્રતિબિંબિત કરે છે.
ક્લોક ટાવરનું નિર્માણ 1871ના દાયકામાં થયું હતું. તે સમયે સુરત એક મહત્વપૂર્ણ વેપારી કેન્દ્ર હતું અને ક્લોક ટાવર શહેરની આગવી ઓળખ બન્યો હતો. યુરોપિયન શૈલીથી તૈયાર થયેલો ક્લોક ટાવર સુરતના સૌથી જૂના સ્મારક અને સ્થાપત્ય કળાનું આગવું પ્રતિક છે. ટાવરની ઘડિયાળ રૂ.૨૨૩ પાઉન્ડ અને સંપૂર્ણ ટાવર તે સમયે ૧૪૦૦૦ રૂપિયાની લાગતથી તૈયાર થયો હતો.
ઈ.સ. 1871ના સમયકાળમાં સુરત દેશવિદેશના વેપારીઓ માટે મોટું વ્યાપારી કેન્દ્ર હતું. તે સમયના જાણીતા પારસી વ્યાપારી ખાન બહાદુર બરજોરજી મેરવાનજી ફ્રેઝરના પિતાજી મેરવાનજી ફ્રેઝરનું અવસાન થયું હતું. તે સમયે યાદગીરી માટે સ્મારકો બંધાવવાનું ચલણ હતું. એટલે ખાનબહાદુર બરજોરજી ફ્રેઝરે પોતાના પિતાની યાદમાં શહેરના મધ્યભાગમાં ભાગળ પાસે ઝાંપાબજારમાં આવેલા એક મોટા કૂવાના સ્થાન પર 80 ફૂટની ઊંચાઈનો ક્લોક ટાવર બંધાવ્યો હતો. એ સમયે સમગ્ર સુરત શહેરના કોઈ પણ ખુણેથી ટાવર જોઈ શકાતો હતો અને દર કલાકે વાગતા ટકોરા સમગ્ર શહેરમાં સાંભળી શકાતા હતા.

ક્લોક ટાવરના ઘડિયાળની કલા અને ડિઝાઈન સૌ કોઈને મોહિત કરે તેવી છે. તેમાં રોમન અંકમાં આંકડાઓ લગાડવામાં આવ્યા છે. આ ક્લોક ટાવરમાં ચારેય દિશામાં ચાર ઘડિયાળ છે. ટાવરમાં એક મોટું ઘંટાઘર છે.
ઐતિહાસિક ક્લોક ટાવર વિષે જૂની યાદો વાગોળતા સુરતના 83 વર્ષીય દુકાનદાર ઈબ્રાહિમ અબ્દુલ હુસેન માંજનીવાલાએ કહ્યું હતું કે, સુરતના ભવ્ય ભૂતકાળનો હું સાક્ષી રહ્યો છું.. સુરતના રાજમાર્ગ ઉપર રેલ્વે સ્ટેશનથી ડચ ગાર્ડન સુધી ઘોડાગાડીઓ ચાલતી. સુરતનો ક્લોક ટાવર અને અંગ્રેજોની કોઠી સુપ્રસિધ્ધ હતી. લાલ ક્લોક ટાવર સુરતનો જ નહીં પણ સમગ્ર ભારતનો સૌથી જૂનો ક્લોક ટાવર છે. તે લાલ ટાવરથી પણ ઓળખાય છે. 18 મી સદીનો લાલ ક્લોક ટાવર ૨૧મી સદીમાં પણ કાર્યરત છે, કાંટાની ઝડપમાં કે સમયમાં ક્યારેય ફર્ક પડ્યો નથી. તે સમયે સુરતનો રૂવાલા ટેકરો, ટાવર રોડ, લક્ષ્મી ચોકીથી સ્ટેશન રોડ સૌથી ઉંચા રોડ હતા. એ સમયે સુરત માત્ર કોટ (કિલ્લા)ની અંદર વસેલું હતું. અને કિલ્લાના ફરતે લાલ દરવાજા, સહારા દરવાજા, વેડ દરવાજા, કતારગામ દરવાજા જેવા ૧૨ જેટલાં દરવાજા હતા. જે દરવાજાની જગાને ભાગોળ કહેવાતી હતી. આ દરવાજાની અંદરનો વિસ્તાર કોટ વિસ્તાર તરીકે ઓળખાતો હતો. દરવાજા પાસેનો વિસ્તાર એ જ જૂનું સુરત શહેર છે. હીરા, કાપડ, જરી જેવા વ્યવસાયોથી દરવાજાની બહાર વિકસેલું સુરત શહેર આધુનિક સુરત છે.
વધુમાં ઈબ્રાહિમભાઈએ કહ્યું હતું કે, ઈ.સ. 16 મી સદીના અંતભાગમાં સુરતમાં લૂંટ થઈ તે પછી શહેરને ફરતે પહેલો કોટ બનાવવાની શરૂઆત કરાઈ હતી, જેને ‘શહેરપનાહ કોટ’ કહેવાતો હતો. કતારગામ દરવાજાથી લાલ દરવાજા સુધીના ભાગમાં જ બીજા એક કોટ ‘આલમપનાહ કોટ’ના અવશેષો જોવા મળે છે.