Monday, Dec 8, 2025

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ધરપકડ

2 Min Read

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક નકલી આઈએએસ અધિકારીની ધરપકડ કરી છે. આ નકલી આઈએએસ ઓફિસર લોકોને નોકરી અપાવવાની લાલચ આપી તેમની પાસેથી લાખો રૂપિયા એંઠતો હતો. તે પોતાના વરિષ્ઠ સરકારી અધિકારી ગણાવતો હતો. જ્યારે આ નકલી આઈએએસ વિરૂદ્ધ લોકોએ પોલીસમાં ફરિયાદ કરી તો પોલીસ એક્શનમાં આવી અને આ ઠગને ઝડપી પાડ્યો. આ ઠગનું નામ મેહુલ શાહ (29) છે. જે ખરેખરમાં એન્જીનિયર છે અને મોરબીના વાંકાનેરમાં બે શાળાઓનું પ્રબંધન જુએ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એક પોલીસ અધિકારી અનુસાર, ઠગ મેહુલ શાહ વિરૂદ્ધ એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના માલિકે ફરિયાદ કરી હતી. જેમણે જણાવ્યું હતું કે, આરોપી મેહુલ શાહે તેમની પાસે કાર ભાડા પર લેવા માટે સંપર્ક કર્યો હતો. તેણે પોતાના મહેસૂલ વિભાગના નિયામક અને IAS અધિકારી ગણાવ્યો હતો. જેના પછી મેહુલ શાહે ફરિયાદી પાસે કારમાં સાયરન અને પડદા લગાવરાવ્યા હતા અને ગૃહ મંત્રાલય, વિજ્ઞાન અને અનુસંધાન વિભાગનો નકલી લેટર પણ આપ્યો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું કે, આરોપીએ નકલી લેટર દેખાડી અને ખોટા વાયદાઓ કરી લોકોને ઠગ્યા હતા. એક ફરિયાદીના પુત્રને તેણે સરકારી કાર્યાલયમાં નોકરી અપાવવાના નામે તેની પાસેથી લાખો રૂપિયા લીધા હતા. તેણે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીનો નકલી ઓફર લેટર તૈયાર કર્યો હતો અને તેણે ફરિયાદીના પુત્રને આપી દીધો હતો. જ્યારે યુવક નોકરી માટે પહોંચ્યો તો હકીકત જાણીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આ પણ વાંચો :-

Share This Article