Even after the result
- ધો. 10નું પરિણામ જાહેર થયાને આજે 2 સપ્તાહ થઇ ગયા છે છતાં વિદ્યાર્થીઓને માર્કશીટ ન મળતા ધો.11માં એડમિશન મેળવવાની પ્રક્રિયા અટવાઇ.
રાજ્યમાં ધોરણ 10નું પરિણામ 6 જૂનના રોજ જાહેર કરી દેવાયું છે. છતાં ગુજરાતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ હજુ પણ માર્કશીટથી વંચિત છે. પરિણામ આવ્યાના 2 અઠવાડિયા બાદ પણ વિદ્યાર્થીઓને માર્કશીટ નથી મળી. જેના કારણે તેઓની ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયા અટવાઈ ગઇ છે. હજુ સુધી ધો. 10ની માર્કશીટ તેઓને ન મળતા તેઓને ધોરણ 11માં પ્રવેશ મેળવવામાં તકલીફ પડી રહી છે. માર્કશીટ મળ્યા બાદ જ તેઓની ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.
આ સાથે વધુમાં તમને જણાવીએ કે, રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થતાં શાળાઓ વિધાર્થીઓથી ધમધમી ઉઠી છે પરંતુ બીજી બાજુ સૌથી મોટી મુશ્કેલી એ પણ સર્જાઈ છે કે હજુ સુધી માર્કેટમાં 80 ટકા જેટલાં પુસ્તકો પહોંચ્યા નથી. જેના લીધે વાલીઓની મુશ્કેલી પણ વધી છે. વિધાર્થીઓ શાળાએ તો જાય છે પરંતુ અભ્યાસ શું કરે તે પણ એક સૌથી મોટો સવાલ છે. તો બીજી તરફ ધોરણ 10નું પરિણામ જાહેર થયાને 2 અઠવાડિયા થઇ ગયા છતાં વિદ્યાર્થીઓને માર્કશીટ (10th Marksheet) ન મળતા ધોરણ-11માં તેઓની એડમિશનની (Admission) પ્રક્રિયા અટવાઈ ગઇ છે.
બીજી તરફ પાઠ્યપુસ્તકોની અછત સર્જાતા વિદ્યાર્થીઓને હાલાકી :
પાઠ્ય પુસ્તકોની અછત મામલે વાલીઓનું કહેવું છે કે, આવું પ્રથમ વખત નથી બન્યું. દર વર્ષે પુસ્તકોને લઈને આવી મુશ્કેલી સર્જાય છે. આ વખતે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ બજારોમાં પુસ્તકોની ભારે અછત સર્જાઈ છે. સ્ટેશનરીની દુકાનોમાં 80 ટકા પુસ્તકો ન મળતા હોવાની ફરિયાદ ઉઠી છે. એક તરફ નોટબુકનાં ભાવમાં 25 ટકા જેટલો વધારો થયો છે. તો બીજી તરફ આ વર્ષે પણ કાગળના ભાવમાં વધારો કરાતા નોટબુકનાં ભાવમાં પણ વધારો નોંધાયો છે. એવામાં વાલીઓ સ્ટેશનરીની દુકાનો પર ધક્કા ખાવા મજબૂર બન્યા છે.