Monday, Dec 29, 2025

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ લાલુ પ્રસાદ યાદવને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું

2 Min Read

કથિત લેન્ડ ફોર જોબ કૌભાંડ મામલે બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કૌભાંડ મામલે પૂછપરછ કરવા તેમને સમન્સ મોકલ્યું છે. CBI પહેલાથી જ આ કેસની તપાસ કરી રહી છે, તાપસ દરમિયાન મની લોન્ડરિંગનો એંગલ પણ જાણવા મળ્યો હતો, જેના કારણે તાપસમાં EDની પણ એન્ટ્રી થઇ હતી.

અહેવાલ મુજબ લાલુ ઉપરાંત તેમના દીકરા તેજ પ્રતાપ યાદવ અને પત્ની રાબડી દેવીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પરિવારના ત્રણેય સભ્યોને સમન્સ પાઠવવામાં આવ્યા છે. તેમને આવતીકાલે બુધવાર, 19 માર્ચે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પૂછપરછ પટનાના ઝોનલ ઓફિસમાં થવાની છે.

શું છે કૌભાંડનો મામલો?
કથિત લેન્ડ ફોર જોબ કૌભાંડ 2004-09 દરમિયાન લાલુ યાદવ UPA સરકારમાં રેલ્વે પ્રધાન હતાં, એ સમયનું છે. એવો આરોપ છે કે લેન્ડ ફોર જોબ સ્કેમ હેઠળ, રેલ્વેમાં ગ્રુપ ડીની નોકરીઓના બદલામાં જમીનો હસ્તગત કરવામાં આવી હતી. આ માટે ભરતી નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે ભરતીમાં સામેલ લોકો અથવા તેમના પરિવારના સભ્યોએ જમીન નજીવા ભાવે વેચી દીધી હતી. આ જમીનો લાલુ યાદવના નજીકના સાથીઓ અને તેમના પરિવારના સભ્યોના નામે બજાર ભાવના ચોથા ભાગના ભાવે નોંધાયેલી હતી. CBIએ આ કેસમાં FIR નોંધી હતી અને તેના આધારે ED આ કેસની તપાસ પણ પોતાના હાથમાં લીધી છે.

ED એ ઓગસ્ટ 2024 માં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે લાલુ યાદવના નજીકના સહાયક અમિત કાત્યાલે AK ઇન્ફોસિસ્ટમ્સ નામની કંપની બનાવી હતી. પટનામાં ઘણી જમીનો આ કંપનીના નામે નોંધાયેલી હતી. આ જમીનો કંપનીના નામે રજીસ્ટર કરાવ્યા પછી, અમિત કાત્યાલે કંપનીનો 100 ટકા હિસ્સો લાલુ પરિવારને સોંપી દીધો. આમાં 85 ટકા હિસ્સો રાબડી દેવીના નામે દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે 15 ટકા હિસ્સો તેજસ્વી યાદવને નામે છે.

Share This Article