Thursday, Jan 15, 2026

સોનું-ચાંદી સતત બીજા દિવસે ઓલટાઈમ હાઈ! ચાંદીમાં રૂ.6500નો વધારો, સોનું રૂ. 1.40 લાખને પાર

2 Min Read

સોના-ચાંદીના ભાવમાં આજે 13 જાન્યુઆરીના રોજ સતત બીજા દિવસે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA)ના રિપોર્ટ અનુસાર ચાંદીની કિંમતમાં એક જ દિવસમાં રૂ. 6566નો તોતિંગ વધારો થતાં તે રૂ. 2,62,742 પ્રતિ કિલોના ઓલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ છે. માત્ર બે જ દિવસમાં ચાંદી રૂ. 20,000 જેટલી મોંઘી થઈ છે.

બીજી તરફ 24 કેરેટ સોનાનો ભાવ પણ રૂ. 33 વધીને રૂ. 1,40,482 પ્રતિ 10 ગ્રામની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. વર્ષ 2025માં સોનામાં 75% અને ચાંદીમાં 167% જેટલો જંગી વધારો નોંધાયા બાદ પણ કિંમતો અટકવાનું નામ નથી લઈ રહી. નિષ્ણાતોના મતે આગામી સમયમાં ચાંદી રૂ. 2.75 લાખ અને સોનું રૂ. 1.50 લાખને પાર કરી શકે છે.

સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહેલી આ અસાધારણ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ડોલરના મૂલ્યમાં ઘટાડો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તંગદિલી અને ચીન જેવી મધ્યસ્થ બેન્કો દ્વારા કરવામાં આવી રહેલી સોનાની જંગી ખરીદીને કારણે સોનું સતત મોંઘું થઈ રહ્યું છે.

બીજી તરફ ચાંદીના કિસ્સામાં, સોલાર પેનલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ(EV)માં વધતી જતી ઔદ્યોગિક માંગને કારણે તે હવે માત્ર ઘરેણું મટીને એક અનિવાર્ય રો મટિરિયલ બની ગઈ છે. આ ઉપરાંત અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના ડરથી અનેક કંપનીઓ મોટા પાયે ચાંદીનો સંગ્રહ કરી રહી છે, જેના કારણે વૈશ્વિક પુરવઠામાં અછત સર્જાઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે.

Share This Article