પઠાણકોટના નાંગલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હાલેડ ગામમાં ભારતીય વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ લખાય છે ત્યાં સુધી જાનમાલના નુકસાનની કોઈ માહિતી મળી નથી. બીજી તરફ વાયુસેનાના અધિકારીઓ પણ અપાચે હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગ વિશે કોઈ કંઈ પણ કહેવા તૈયાર નથી. નાનકડા હાલેડ ગામમાં અપાચે હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગથી ચકચાર મચી ગઈ છે.
એક સપ્તાહમાં 2 વાર ઈમરજન્સી લેન્ડિંગ
આજે પઠાણકોટના નાંગલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હાલેડ ગામમાં ભારતીય વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જો કે અઠવાડિયા અગાઉ પણ અપાચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ થઈ ચૂક્યું હતું. જેમાં ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ટેકનીકલ ખામીને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગતરોજ અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં તૂટી પડેલ એર ઈન્ડિયાનું વિમાન બોઈંગ કંપનીનું હતું. અપાચે હેલિકોપ્ટરની નિર્માતા કંપની પણ બોઈંગ છે. માત્ર 7 જ દિવસમાં 2 વખત અપાચે હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગને લીધે બોઈંગ કંપની પર સવાલો ઉઠી રહ્યા છે.
6 જૂનના રોજ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના ચિલકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના નદીના કિનારે અપાચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના 1 સપ્તાહ બાદ આજે 13મી જૂને બીજી વાર ભારતીય વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું પંજાબના પઠાણકોટના નાંગલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હાલેડ ગામમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ લેન્ડિંગ સ્પોટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. નાનકડા હાલેડ ગામના લોકો લેન્ડિંગ સ્પોટ પર પહોંચી ગયા છે. જો કે ભારતીય વાયુ સેના તરફથી આધિકારીક રીતે કોઈ નિવેદન કરવામાં આવ્યું નથી.