મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે પર વિવાદાસ્પદ ટિપ્પણી પર થયેલા હોબાળા વચ્ચે ડેપ્યુટી સીએમની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. કોમેડિયન કામરાએ માફી માંગવાનો ઇનકાર કર્યા પછી, શિંદેએ કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે; આપણે કટાક્ષ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ.
કોમેડિયન કુણાલ કામરાની ટિપ્પણી પર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે કોઈની વિરુદ્ધ બોલવા માટે સોપારી લેવા જેવું છે. દરમિયાન, શિવસેનાના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી તોડફોડ પર શિંદેએ કહ્યું, “સામેની વ્યક્તિએ પણ ચોક્કસ ધોરણ જાળવવું જોઈએ, નહીં તો કાર્યવાહીની પ્રતિક્રિયા છે.”
કોમેડિયન કુણાલ કામરાને અત્યારે ધમકીઓ પણ ખૂબ મળી રહી છે, તેના સામે કુણાલે કહ્યું કે, ભાષણ અને અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર માત્ર શક્તિશાળી અને અમીર લોકોની ચાપલૂસી કરવા માટે જ ના થવો જોઈએ. એક શક્તિશાળી વ્યક્તિ પાસે જો સાર્વજનિક રૂપે મજાક સહન કરવાની અક્ષમતા મારા કાનુની અધિકારને બદલી શકે નહીં. જ્યાં સુધી હું જાણું છું, આપણા નેતાઓ આપણી રાજકીય વ્યવસ્થાના સર્કસની મજાક ઉડાવે છે એ કાયદાની વિરુદ્ધ નથી? જોકે, મારી સામે થઈ રહેલી કોઈપણ કાનૂની કાર્યવાહી માટે હું પોલીસ અને કોર્ટને સહકાર આપવા તૈયાર છું.’
કુણાલ કામરાએ ઈન્સ્ટાગ્રામમાં 4 પેજની પોસ્ટ કરી છે. જેમાં કાયદો અને વ્યવસ્થા, સમાન અભિવ્યક્તિની આઝાદી અને અંતમાં પોતે કોઈ પણ પ્રકારની માફી નહીં માગે તેવી વાત પણ લખી છે. કુણાલ કામરાએ પોસ્ટમાં લખ્યું કે, ‘હું માફી નહીં માંગુ. મેં જે કહ્યું તે એકદમ તે જ છે જે અજિત પવારે એકનાથ શિંદે વિશે કહ્યું હતું. હું કોઈ ટોળાઓથી ડરતો નથી અને હું મારા પલંગ નીચે છુપાઈને આ ઘટના શાંત થાય તેની રાહ જોઈશ નહીં’ કોમેડિયન કુણાલ કામરા પોતે કરેલી કોમેડી વિશે કોઈ માફી નહીં માંગે! તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ વિવાદ હજી પણ વધી રહ્યો છે, તેમાં હવે રાજકીય લોકો પણ રસ લેતા હોય તેવું લાગી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, કોઈએ કરેલી મજાક માટે હિંસા પર ઉતરી આવવું જરા પણ યોગ્ય નથી.