Friday, Mar 20, 2026

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સુધારાશે: 6 નવી DEO કચેરીને લીલી ઝંડી, અનેક જિલ્લાઓમાં થશે વિભાજન

2 Min Read

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજનને મંજૂરી આપી છે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તેમજ રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને સુરતને શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર પૂર્વ અને કચ્છ – ભુજમાં પશ્ચિમ DEO કચેરીને મંજૂરી આપવામાં આવી છે.

શા માટે કરવામાં આવ્યું વિભાજન?

છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરો અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં સ્કૂલ્સની સંખ્યા ઝડપી વધી છે. જેના કારણે હાલની DEO કચેરીઓ પર કામનો ભાર વધતો હતો અને મહત્વપૂર્ણ ફાઇલો પેન્ડિંગ રહેતી હતી. શાળા સંચાલક મંડળોની માંગને ધ્યાને લેતા, શિક્ષણ વિભાગે કુલ 6 નવી DEO કચેરીઓની રચના કરી છે, જેથી કામગીરી વધુ સરળ અને ઝડપી બની રહે.

કચ્છ: સૌથી મોટો જિલ્લો, હવે બે DEO કચેરી

કચ્છ જિલ્લામાં અત્યાર સુધી એક જ DEO કચેરી હતી, જેના કારણે શાળા સંચાલકોને સતત દોડધામ કરવી પડતી હતી. હવે જિલ્લાનો પૂર્વ વિસ્તાર અંજારમાં 258 સ્કૂલ સાથે અને પશ્ચિમ વિસ્તાર કચ્છ-ભુજમાં 329 સ્કૂલ સાથે નવી કચેરીઓ કાર્યરત થશે. સાથે સાથે બંને કચેરીઓ માટે નવી મહેકમની પણ મંજૂરી આપી છે.

અમદાવાદ: પૂર્વ અને પશ્ચિમમાં વિભાજન

અમદાવાદ શહેર DEO કચેરીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચવામાં આવી છે.

  • શહેર પૂર્વ DEO કચેરી: 1242 સ્કૂલ
  • શહેર પશ્ચિમ DEO કચેરી: 650 સ્કૂલ
    પૂર્વ વિસ્તાર માટે વસ્ત્રાપુરના બહુમાળી ભવનના બી બ્લૉકમાં કચેરી માટે વૈકલ્પિક વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે.

વડોદરા, સુરત, ગાંધીનગર અને રાજકોટમાં શહેર-ગ્રામ્ય અલગ DEO કચેરી

મોટા શહેરો અને તેમના ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલોની સંખ્યા વધી જતા, કચેરીઓને અલગ કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી।

વડોદરા

  • કુલ 1018 સ્કૂલ
  • શહેર DEO: 720
  • ગ્રામ્ય DEO: 298
    ગ્રામ્ય DEO માટે કારેલીબાગના શિક્ષણ અને તાલીમ ભવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ગાંધીનગર

  • કુલ 445 સ્કૂલ
  • ગ્રામ્ય DEO: 271
  • શહેર DEO: 174

રાજકોટ

  • કુલ 1551 સ્કૂલ
  • ગ્રામ્ય DEO: 590
  • શહેર DEO: 961

સુરત

  • કુલ 1779 સ્કૂલ
  • ગ્રામ્ય/પૂર્વ DEO: 378
  • શહેર/પશ્ચિમ DEO: 1401
    નવી કચેરી જિલ્લા સેવા સદન-2, અઠવાલાઈન્સ ખાતે એ બ્લૉકના ત્રીજા માળે કાર્યરત થશે.
Share This Article