Saturday, Dec 13, 2025

મહારાષ્ટ્રમાં ફૂટપાથ પર શાકભાજી વેચીને દીકરાને ભણાવ્યો, દીકરો બન્યો CA

3 Min Read

મહારાષ્ટ્રમાં ફૂટપાથ પર શાકભાજી વેચતા માતા-પુત્રનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને કોઈપણ ભાવુક થઈ જશે. મહારાષ્ટ્રના મંત્રી રવિન્દ્ર ચવ્હાણે પણ પોતાના એક્સ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો યોગેશ થોમ્બરે અને તેની માતાનો છે, મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં રહેતો યોગેશ થોમ્બરે CA બન્યો છે. તેની માતા રસ્તા પર શાકભાજી વેચે છે. સીએનું પરિણામ જાહેર થયા બાદ તેણીએ પુત્રને ગળે લગાડીને રડી હતી. તેમની અનેક વર્ષોની તપસ્યા સફળ થઈ.

જો તમારામાં કંઇક કરવાનો જુસ્સો હોય તો કોઇપણ અવરોધ તમારા માર્ગમાં આવી શકે નહીં. થાણેના ડોમ્બીવલીમાં શાકભાજી વેચનાર મહિલાના દીકરાએ સીએ બનીને આ સાબિત કર્યું છે. શાકભાજી વિક્રેતાના પુત્રએ આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં ખૂબ જ જટિલ ગણાતી ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. મહારાષ્ટ્રના થાણેમાં એક મહિલા શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. ૧૧ જુલાઈના રોજ સીએ ઈન્ટરમીડિયેટનું પરિણામ આવ્યા બાદ જ્યારે તેનો પુત્ર યોગેશે ફૂટપાથ પર આવ્યો અને તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની પરીક્ષા પાસ કર્યાના સમાચાર આપ્યા ત્યારે તેની માતા ખુશીથી રડી પડી. તેણે અશ્રુભીની આંખો સાથે પુત્રને ગળે લગાવ્યો. મહિલાએ તેના પુત્રને ગળે લગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં મહિલા તેના પુત્રને લાંબા સમય સુધી ગળે લગાવીને રડતી જોવા મળી રહી છે. આ વીડિયોને ઘણા સ્થાનિક નેતાઓએ શેર કર્યો હતો.

યોગેશ ડોમ્બિવલી નજીક ખોની ગામમાં રહે છે અને તેની માતા નીરા ડોમ્બિવલીના ગાંધીનગર વિસ્તારમાં શાકભાજીનો વ્યવસાય કરે છે. તે છેલ્લા ૨૨ થી ૨૫ વર્ષથી શાકભાજી વેચે છે. રસપ્રદ વાત એ છે કે તેણે માત્ર બેસો રૂપિયા ઉધાર લઈને આ બિઝનેસ શરૂ કર્યો હતો. એક્સ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા વીડિયોને અત્યાર સુધીમાં ૧ લાખ ૮૩ હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. યુઝર્સ વીડિયોને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. એક યૂઝરે લખ્યું કે, આવી માતાને સલામ, તમને અને તમારા પુત્રને અભિનંદન. અન્ય યૂઝરે લખ્યું કે, જીવનમાં ઘણી પ્રગતિ કરો, ઇમાનદારી સાથે આગળ વધો. તો બીજા યૂઝરે લખ્યું કે, સખત મહેનત હંમેશા ફળ આપે છે, જો ઈરાદા સારા હોય તો.

આ પણ વાંચો :-

Share This Article