પ્રવર્તન નિર્દેશાલય (ED) એ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સક્રિય કોલસા માફિયાઓ સામે એક મોટી અને સંકલિત કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં બંને રાજ્યોના 40 થી વધુ સ્થળો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ સર્ચ ઑપરેશન વહેલી સવારે લગભગ 6 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં EDના 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ રોકાયેલી છે.
આ દરોડા દરમિયાન, EDના અધિકારીઓને રોકડના ઢગલા અને કરોડો રૂપિયાના ઘરેણાં મળી આવ્યા હોવાની વિગતો છે. જોકે દાગીનાની ચોક્કસ કિંમત જાહેર કરવામાં આવી નથી, પણ જે તસવીરો સામે આવી છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ જ્વેલરીની કિંમત કરોડોમાં છે, જે ગેરકાયદેસર કોલસાના ધંધા દ્વારા ભેગી કરાયેલી મોટી સંપત્તિ તરફ ઈશારો કરે છે.
ED ની ટીમે ઝારખંડમાં કુલ 18 સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું છે, જેમાં ધનબાદના દેવ બિલા ક્ષેત્રના ૧૬ ઠેકાણાઓનો પણ સમાવેશ થાય છે. રાંચી સ્થિત ED ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી કોલસાની ચોરી અને તસ્કરીના અનેક મોટા કેસો સાથે સંબંધિત છે. એજન્સીનું માનવું છે કે આ મામલાઓમાં મોટા પાયે કોલસાની ચોરી થઈ છે, જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું ભારે નુકસાન થયું છે. આ સંયુક્ત કાર્યવાહીને કોલસા માફિયા નેટવર્ક પર એક મોટી અને સખત પ્રહાર તરીકે જોવામાં આવી રહી છે.
ઝારખંડ ઉપરાંત, EDની અન્ય એક ટીમે પશ્ચિમ બંગાળમાં પણ મોરચો સંભાળ્યો હતો, જ્યાં દુર્ગાપુર, પુરુલિયા, હાવડા અને કોલકાતા જિલ્લાઓમાં 24 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં આ કાર્યવાહી ગેરકાયદેસર કોલસા ખાણકામ, બિન-કાયદેસર પરિવહન અને કોલસાના ગેરકાયદેસર સંગ્રહના મામલાઓ સાથે જોડાયેલી છે. તપાસ એજન્સીએ સંકેત આપ્યો છે કે આ સંકલિત કાર્યવાહી માત્ર શરૂઆત છે અને આ મામલામાં આવનારા દિવસોમાં વધુ મોટા ખુલાસાઓ થઈ શકે છે. કોલસાના કાળા કારોબાર સાથે સંકળાયેલા આ નેટવર્કે લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા ભારે નફો કમાયો છે અને આ મોટા દરોડાથી સમગ્ર કોલસા માફિયા નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે.