એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સમાજવાદી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનય શંકર તિવારી સામે મની લોન્ડરિંગના ગંભીર આરોપોની તપાસ અંતર્ગત એક સાથે 10 થી વધુ સ્થળો પર દરોડા પાડી છે. લખનઉ, ગોરખપુર, નોએડા, મહારાજગંજ અને મુંબઈ સહિતના શહેરોમાં આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. વિનય શંકર તિવારી સાથે સંકળાયેલી ગંગોત્રી એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ અને તેની સંબંધિત કંપનીઓની ઓફિસોને આ તપાસ હેઠળ આવરી લેવામાં આવી છે.
વિનય શંકર તિવારી, જે ચિલ્લુપાર વિધાનસભા ક્ષેત્રમાંથી વિધાનસભ્ય રહી ચૂક્યા છે અને પ્રસિદ્ધ નેતા હરિશંકર તિવારીના પુત્ર છે, તેમના વિરુદ્ધ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત અનેક બેન્કોએ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં આરોપ છે કે ગંગોત્રી એન્ટરપ્રાઈઝે બેન્કો પાસેથી રૂપિયા 1129 કરોડની લોન લીધી અને પછી તેનો દુરુપયોગ કરીને ગેરરીતિ આચરી છે.
પૂર્વ ધારાસભ્ય વિનય શંકર તિવારી ગંગોત્રી એન્ટરપ્રાઈઝ નામની કંપની ચલાવે છે. વિનય શંકર તિવારી અને તેની કંપની પર થોડા વર્ષો પહેલા આ કંપની માટે 7 બેન્કો પાસેથી લગભગ 1129 કરોડ રૂપિયાની લોન લેવાનો અને બાદમાં તે જ બેન્કો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. તેથી, આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ એજન્સીએ ગયા વર્ષે ED પાસેથી આ કેસ સંભાળ્યા બાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
EDના સૂત્રો મુજબ, ગયા વર્ષે લોન ફ્રોડના આ જ કેસમાં લકનઉ ઝોન દ્વારા 72 કરોડથી વધુની જંગમ મિલકતો જપ્ત કરવામાં આવી હતી. હવે ફરી દરોડાની કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે તપાસ એજન્સી સમગ્ર લોન ફ્રોડ મામલે વધુ પુરાવા અને જોડાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવા માટે આક્રમક વલણ અપનાવી રહી છે. જો આ આરોપો સાબિત થાય તો તિવારી સહિત જોડાયેલા તમામ પર કાયદેસર કડક પગલાં લેવાઈ શકે છે.