Friday, Sep 19, 2025

આંદામાન નિકોબાર સહકારી બેંક છેતરપિંડી કેસમાં ભૂતપૂર્વ સાંસદ ઈડીએ સકંજામાં લીધા

2 Min Read

આંદામાન અને નિકોબાર રાજ્ય સહકારી બેંક ગોટાળા કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં ઈડીએ બુધવારે આંદામાન અને નિકોબારના ભૂતપૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા કુલદીપ રાય શર્મા અને અન્ય બે લોકોની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશમાં મની લોન્ડરિંગ કાયદા હેઠળ તપાસ એજન્સી દ્વારા આ પ્રકારની પ્રથમ ધરપકડ છે.

બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને લોન અધિકારીની પણ ધરપકડ
કુલદીપ રાય શર્મા આંદામાન અને નિકોબાર રાજ્ય સહકારી બેંક ના ભૂતપૂર્વ ચેરમેન છે. તેમજ ધરપકડ કરાયેલા અન્ય બે વ્યક્તિઓમાં બેંકના મેનેજિંગ ડિરેક્ટર, કે. મુરુગન અને બેંકના લોન અધિકારી, કે. કલાઈવનનનો સમાવેશ થાય છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટે તેમને ત્રણથી આઠ દિવસ માટે ઈડી કસ્ટડીમાં મોકલ્યા છે. આ તપાસ આંદામાન અને નિકોબાર રાજ્ય સહકારી બેંકમાં કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે.

શેલ કંપનીઓ બનાવી લોન મંજૂર કરી હતી
આ કેસ આંદામાન અને નિકોબાર રાજ્ય સહકારી બેંક લિમિટેડના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ગોટાળા સાથે સંબંધિત છે. જેમાં કુલદીપ રાય શર્મા અને બેંક લોન મંજૂર કરવા માટે જવાબદાર અન્ય લોકોનો સમાવેશ થાય છે. આ વ્યક્તિઓએ તેમના સહયોગીઓ સાથે મળીને ઘણી શેલ કંપનીઓ બનાવી અને, બેંક નિયમો અને સ્થાપિત પ્રક્રિયાઓનો ભંગ કર્યો હતો. તેમજ તેમની નિયંત્રિત સંસ્થાઓ માટે મોટી લોન મંજૂર કરી હતી. જેનો એકમાત્ર હેતુ લોન નહી ચૂકવીને બેંકને નુકસાન પહોંચાડવાનો અને પોતાને ફાયદો કરાવવાનો હતો.

Share This Article