શિયાળાની ઋતુ આવે એટલે ઠંડી હવા સાથે માણસની ભૂખ પણ બમણી થઈ જાય છે. સવારે ગરમ ગરમ ગાજરનો હલવો, દિવસે ઘીમાં તરબોળ રોટલી અને રાત્રે ઉંઘતાં પહેલાં એકાદ ગ્લાસ ગરમ દૂધમાં બદામ-પિસ્તા નાખીને પીવાની ઈચ્છા થાય.. આ બધું સ્વાભાવિક લાગે છે, પણ આ જ ઋતુમાં સૌથી વધારે લોકોનું વજન વધે છે અને મેદસ્વીતાનો ભોગ બને છે.શિયાળામાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે શરીર વધારે કેલરી બાળે છે. આ માટે મગજને સિગ્નલ મળે છે કે વધારે ખાઓ. ઉપરાંત દિવસ ટૂંકા થઈ જાય છે, સૂર્યપ્રકાશ ઓછો મળે છે, જેનાથી સેરોટોનિન હોર્મોન ઘટે છે અને મૂડ ડાઉન થાય છે. આનો ઉપાય માણસ મીઠું, ચીઝવાળું કે ઘી-તેલવાળું ભોજન લઈને કરે છે, કારણ કે આ બધું ખાવાથી તરત જ આનંદ થાય છે. પરિણામે શિયાળામાં ગાજર,ગુંદ,લાડુ,ઉંધિયું,મેથીપાક જેવા ઉચ્ચ કેલરીવાળા પદાર્થોનું સેવન વધી જાય છે.
બીજી બાજુ જોઈએ તો શિયાળો એટલે તાજી લીલી ભાજીઓથી ભરપૂર છે.મેથી, પાલક, સરસવ, લીલા ધાણા, લીલો લસણ, ફ્લાવર, ગાજર, શક્કરિયા, વટાણા આ બધું શિયાળામાં સૌથી સસ્તું અને પોષ્ટિક મળે છે. આ ભાજીઓ ફાઇબર, વિટામિન અને એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે ભૂખ કંટ્રોલ કરે છે, પેટ લાંબો સમય ભરેલું રાખે છે અને ચરબી ઓછી કરે છે. દરરોજ એક વાટકી મેથી-પાલકનું શાક કે ગરમ સૂપ લેવાથી ઘી-તેલવાળા લાડુ-ઉંધિયાની ઈચ્છા ઘટે છે. ઠંડીમાં ગરમાહટ પણ મળે, રોગપ્રતિકારક શક્તિ વધે અને વજન પણ નિયંત્રણમાં રહે.
બીજું મહત્વનું કારણ છે શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો. ઠંડીમાં વહેલી સવારે ઊઠીને વૉકિંગ કે વ્યાયામ કરવાનું મન નથી થતું. ઘરમાં ગરમ ક્વિલ્ટમાં દબાઈને બેસી રહેવું વધારે આરામદાયક લાગે છે. આ બધાનું પરિણામ એ આવે છે કે ખાધેલી વધારાની કેલરી બળવાને બદલે ચરબી તરીકે સંગ્રહાય છે અને પેટ, કમર તથા જાંઘ પર ચરબીના નવા થર ચડી જાય છે.શિયાળામાં પણ વજન ન વધે તે માટે થોડી સમજણ અને નિયમન જરૂરી છે.પ્રથમ તો ગરમ ખોરાક ખાવો જરૂરી છે, પણ ઘી-ખાંડનું પ્રમાણ ઘટાડી શકાય. દાળ-શાક-રોટલીમાં ઘી ઓછું કરીને પણ ગરમાહટ મળે છે.ગજર-ગુંદના લાડુ ખાવા હોય તો ખાંડને બદલે ખજૂર કે શેરડીનો ખાંડુ વાપરી શકાય.દરરોજ ઓછામાં ઓછા ૩૦-૪૦ મિનિટ ચાલવું કે ઘરમાં જ વ્યાયામ કરવો જરૂરી છે.
ઠંડીમાં વ્યાયામ કરવાથી શરીરની ગરમી પણ વધે છે.પાણી ઓછું પીવાય છે એ પણ વજન વધારે છે. શિયાળામાં પણ દિવસમાં ૮-૧૦ ગ્લાસ પાણી (ગરમ કે નાર્મલ) પીવું જોઈએ.રાત્રે ભારે જમવાને બદલે હળવો ખોરાક (સૂપ, સલાડ, દાળ-ભાત) લેવો.
શિયાળો એ આનંદની ઋતુ છે, ખાવા-પીવાની ઋતુ છે, પણ થોડી સભાનતાથી આ આનંદને મેદસ્વીતાના શોકમાં ફેરવવાની જરૂર નથી. ગરમ ખોરાક લો,પણ લિમિટમાં ગરમ કપડાં પહેરો, પણ શરીરને કસરત પણ આપો એટલે શિયાળો પૂરો થાય ત્યારે કપડાં ટાઈટ નહીં, ફીટ જ રહેશે.