ઈસ્ટ યોર્કશાયર કોસ્ટ પાસે ઓઈલ ટેન્કર અને માલવાહક જહાજ વચ્ચે તીવ્ર અથડામણ થવાની ઘટના સામે આવી છે, જેમાં ટક્કર બાદ બંને જહાજોમાં આગ લાગવા લાગી. આ અકસ્માતની જાણ થતાં તરત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદ્ભાગ્યે, તમામ 36 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.
બ્રિટનની મેરીટાઇમ અને કોસ્ટ ગાર્ડ એજન્સીએ જણાવ્યું હતું કે આગ ઓલવવા માટે અનેક લાઇફ બોટ, એક કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર, એક કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટ અને નજીકના જહાજો તૈનાત કરવામાં આવ્યા હતા. યુ.એસ.ના ધ્વજવાળા કેમિકલ અને તેલ ઉત્પાદનોના ટેન્કર એમવી સ્ટેના ઈમેક્યુલેટ અને પોર્ટુગીઝ ધ્વજવાળા કાર્ગો જહાજ સોલોંગ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ પૂર્વ યોર્કશાયરના બંદર શહેર હલ પાસે થઈ હતી અને સ્થાનિક સમય અનુસાર સવારે 9:48 વાગ્યે તેની જાણ થઈ હતી.
સ્થાનિક સાંસદ ગ્રેહામ સ્ટુઅર્ટે કહ્યું કે તેમણે આ ઘટના અંગે પરિવહન સચિવ સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે ઓઈલ ટેન્કર યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ માટે જેટ ઈંધણ લઈ જતું હતું, જેમાંથી કેટલાક ઉત્તર સમુદ્રમાં લીક થઈ રહ્યા હતા. જ્યારે સોલોંગ જહાજ અન્ય કાર્ગો સિવાય કેમિકલ સોડિયમ સાયનાઈડના 15 કન્ટેનર પણ લઈ જતું હતું. અંગ્રેજી ટેલિવિઝન ચેનલો પર પ્રસારિત કરવામાં આવેલી છબીઓમાં ગાઢ કાળો ધુમાડો અને જ્વાળાઓ અથડામણના સ્થળથી લગભગ 10 માઇલ (16 કિમી) દૂર ઉછળતી જોવા મળી હતી.