Saturday, Oct 25, 2025

ભૂકંપથી મ્યાનમારમાં હાહાકાર, અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત

3 Min Read

શુક્રવારે ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ભયાનક ભૂકંપ આવ્યો. ભૂકંપની તીવ્રતા 7.7 હતી, જે ખૂબ જ મજબૂત હતી. આ ભૂકંપને કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ અને લોકો ગભરાઈ ગયા. માહિતી અનુસાર, ભૂકંપમાં ઓછામાં ઓછા 694 લોકોના મોત થયા છે અને 1,670 થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, મૃત્યુઆંક હજુ પણ વધુ હોવાની આશંકા છે. આ સાથે, દેશમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. બચાવ કાર્ય હાલમાં ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. મ્યાનમાર-થાઈલેન્ડમાં જે રીતની તબાહી મચી છે તેને જોતાં મોતનો આંકડો 1000ને પાર નીકળી ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા 2376 થઈ ગઈ છે.

મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક સાગાઈંગમાં શુક્રવારે બપોરે 12:00 કલાકે 7.7ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ વેર્યો હતો. વિનાશક ભૂકંપની મિનિટો પછી 6.4ની તીવ્રતાના આફ્ટર શોક્સ પણ અનુભવાયા હતા. આમ, મ્યાનમારમાં 50 મિનિટના ટૂંકાગાળામાં ભૂકંપના ત્રણ મોટા ઝટકા નોંધાયા હતા. ત્યાર પછીના આફ્ટર શોક્સની તીવ્રતા ઘટતી ગઈ હતી. આગામી 24 કલાકમાં હજુ વધુ ભૂકંપ હજુ વધુ ભૂકંપ આવવાનું જોખમ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

જુન્ટાના વડા મિન આંગ હ્લેઇંગે એક વીડિયો ભાષણમાં કહ્યું, મેં રાહત પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સમર્થનની વિનંતી કરી છે. શુક્રવારે બપોરે મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક હતું. આ પછી, લગભગ 11 મિનિટ પછી, 6.4 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેનો અંદાજ છે કે મૃત્યુઆંક 1,000 થી વધુ હોઈ શકે છે. મ્યાનમારના લશ્કરી જુન્ટાના નેતા જનરલ મીન આંગ હ્લેઇંગે મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા વધવાની ​​ચેતવણી આપી છે. તેમણે કોઈપણ દેશને સહાય અને દાન આપવા આમંત્રણ પણ આપ્યું, જ્યારે મેજર જનરલ ઝાવ મીન તુને કહ્યું કે નેપીડો, માંડલે અને સાગાંગ શહેરોની હોસ્પિટલો ઘાયલ લોકોથી ભરેલી છે.

બીજીબાજુ બેંગકોકમાં બાંધકામ હેઠળની એક ઈમારત પત્તાના મહેલની જેમ સેકંડોમાં કડડભૂસ થઈ જતાં અનેક કામદારો ઈમારતના કાટમાળમાં ફસાઈ ગયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે ત્રણ કામદારોનાં મોત નીપજ્યાં છે અને 90થી વધુ લાપતા છે તેમ સંરક્ષણ મંત્રી ફુમથામ વેચાયાચીએ કહ્યું હતું. એડિનબર્ગ યુનિવર્સિટીમાં જીયોસાયન્સ સ્કૂલના સિસ્મોલોજી અને રોક ફિઝિક્સમાં પર્સનલ ચેર પ્રોફેસર ઈયાન મેને જણાવ્યું કે, બંને દેશોમાં ભૂકંપમાં અંદાજે 10000થી એક લાખ લોકોના માર્યા ગયા હોવાની આશંકા છે. માંડલેમાં સ્થિત મસ્જિદ તૂટી પડી હતી. આ મસ્જિદમાં શુક્રવારની નમાઝ પઢી રહેલાં 20થી વધુ લોકોનાં મોત થયા છે. આ સિવાય પણ અન્ય બે મસ્જિદો અને ઐતિહાસિક 90 વર્ષ જૂનો અવા બ્રિજ તૂટી પડયા હતા.

Share This Article