મુંબઈ અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના દુબઈ પાસે આવેલા ફુજિરાહ વચ્ચે અન્ડરવોટર રેલવે ટનલ બાંધીને બેઉ શહેરો વચ્ચે રેલવે-સર્વિસ શરૂ કરવાની યોજના UAEના નેશનલ એડ્વાઇઝર બ્યુરો લિમિટેડ દ્વારા થોડાં વર્ષો પહેલાં તૈયાર કરવામાં આવી હતી, પણ આ પ્રોજેક્ટ પર એ પછી કોઈ અપડેટ આવી નથી. હાલમાં આ કંપનીએ આ રેલવે અન્ડરવોટર ટનલ કેવી દેખાશે અને કેવી રીતે માત્ર બે કલાકમાં આ પ્રવાસ પૂરો કરશે એનો વિડિયો યુટ્યુબ પર મૂક્યો છે.
અહેવાલો અનુસાર, આ પ્રોજેક્ટ 2030 સુધીમાં પૂરો થવાની ધારણા રાખવામાં આવી છે અને એ સફળ રીતે અમલી બને તો પાણીની નીચેથી મુંબઈથી દુબઈનો પ્રવાસ કરવાનો ઉમંગ અનેરો થશે. દુબઈ અને મુંબઈ વચ્ચે 1,200 માઇલ (આશરે 2,000 કિમી) લાંબી પાણીની અંદરની ટ્રેન બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
UAEના સંબંધિત પદાધિકારીઓના દાવા મુજબ આ દુબઇ અને મુંબઇ અંડરવોટર રેલ નેટવર્કથી માત્ર UAE અને ભારત જ નહીં, પણ અન્ય દેશોને પણ ફાયદો થશે. બ્યુરોના વડા અબદુલ્લા અલશેહીએ કહ્યું હતું કે અમે ભારતના મુંબઇને દુબઇના ફુજૈરાહ સાથે દરિયા હેઠળ અલ્ટ્રા-હાઇ-સ્પીડ રેલ નેટવર્ક વડે જોડવા માગીએ છીએ. આનાથી વેપારને વેગ મળશે.
- અહીં કેટલીક મુખ્ય વિગતો છે:
- અહેવાલો અનુસાર, આ ટ્રેનની ગતિ 600 થી 1000 કિમી/કલાકની વચ્ચે હશે.
- મુંબઈથી દુબઈની સફર માત્ર 2 કલાકમાં પૂર્ણ થશે.
- આ પાણીની અંદર ટ્રેન પ્રોજેક્ટ સસ્તો નહીં હોય અને તેના માટે અબજો ડોલરના રોકાણની જરૂર પડશે.
- આ ટ્રેન માત્ર મુસાફરોની સુવિધામાં વધારો કરશે નહીં પરંતુ દુબઈથી ભારત સુધી ક્રૂડ ઓઇલ અને અન્ય માલસામાનના પરિવહન માટે એક નવો માર્ગ પણ બનાવશે.
- આ પ્રોજેક્ટ પર હાલમાં ચર્ચા ચાલી રહી છે. જોકે, જો તેને મંજૂરી મળી જાય તો તેને 2030 સુધીમાં પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે.
- આ ટ્રેન હવાઈ સેવાઓને સખત સ્પર્ધા આપશે. આ ટ્રેન શરૂ થયા પછી, બંને દેશો વચ્ચે મુસાફરી અત્યંત સરળ બનશે. લોકો ફક્ત 2 કલાકમાં એક દેશથી બીજા દેશમાં પહોંચી શકશે