Tuesday, Feb 24, 2026

મેક્સિકોમાં ડ્રગ્સ માફિયા ‘એલ મેન્ચો’ ઠાર મરાયો, અનેક રાજ્યોમાં ભડકી હિંસા

2 Min Read

મેક્સિકોમાં ડ્રગ માફિયા સામે ચાલી રહેલા જંગમાં સેનાને એક ઐતિહાસિક સફળતા મળી છે. દુનિયાના સૌથી ખતરનાક અને ક્રૂર ડ્રગ લોર્ડ તરીકે જાણીતા નેમેસિયો ‘એલ મેન્ચો’ ઓસેગુએરાને સેનાએ એક મિલિટરી ઓપરેશનમાં ઠાર માર્યો છે.

અલ મેંચો જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG) નો વડો હતો. છેલ્લા દસ વર્ષમાં આ કાર્ટેલ મેક્સિકોનું સૌથી શક્તિશાળી ગુનાહિત જૂથ બની ગયું હતું. તે કોકેઈન, મેથ અને ફેન્ટાનિલ જેવા ડ્રગ્સની દાણચોરી અમેરિકામાં કરતો હતો. અમેરિકાએ તેને પકડવા માટે $15 મિલિયનનું ઇનામ જાહેર કર્યું હતું. ગયા વર્ષે ટ્રમ્પ વહીવટીતંત્રે CJNGને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.

કોણ હતો ‘એલ મેંચો’ અને તેનું સામ્રાજ્ય?
એલ મેંચોનો ઈતિહાસ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછો નથી. તે અગાઉ પોતે એક પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ ગુનાની દુનિયાના આકર્ષણે તેને ડ્રગ્સના વેપારમાં ધકેલી દીધો. છેલ્લા એક દાયકામાં તેણે ‘જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ’ (CJNG) ને મેક્સિકોના સૌથી ક્રૂર અને શક્તિશાળી સંગઠનમાં ફેરવી દીધું હતું. આ સંગઠન અમેરિકામાં મોટા પાયે કૃત્રિમ ડ્રગ્સ ‘ફેટાનિલ’ની સ્મગલિંગ કરવા માટે જવાબદાર હતું, જેના ઓવરડોઝને કારણે અમેરિકામાં લાખો લોકોના મોત થયા છે.

સેનાના આ ઓપરેશન બાદ સમગ્ર મેક્સિકોમાં ઠેર ઠેર હિંસા થતી જોવા મળી છે. એલ મેંચોના મોતથી રોષે ભરાયેલા કાર્ટેલના સભ્યોએ હાઈવે બ્લોક કરી દીધા છે અને સેંકડો વાહનોને આગ ચાંપી દીધી છે. ટાપાલપા, ઝાપોપન અને ગ્વાડલહારા જેવા શહેરો અત્યારે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયા છે. આ હિંસામાં અનેક સૈનિકો અને સામાન્ય નાગરિકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે લોકો ડરના માર્યા ઘરોમાં કેદ થઈ ગયા છે અને અનેક પ્રાંતોમાં શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે.

સેનાની આકરી કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય અસર
હિંસાને ડામવા માટે મેક્સિકન મિલિટરીએ બખ્તરબંધ ગાડીઓ અને હેલિકોપ્ટર સાથે મોરચો સંભાળ્યો છે. સેનાએ અનેક શકમંદોની ધરપકડ કરી છે અને દરોડા દરમિયાન રોકેટ લોન્ચર જેવા અત્યાધુનિક હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ ઓપરેશન ટ્રમ્પ વહીવટીતંત્ર માટે પણ એક મોટી જીત સમાન છે, કારણ કે અમેરિકા લાંબા સમયથી મેક્સિકો પર આ કાર્ટેલને ખતમ કરવા માટે દબાણ કરી રહ્યું હતું.

Share This Article